કન્દીલ છે ભિન્ન રંગની

kandiil chhe bhinn rangnii

નસીમ નસીમ
કન્દીલ છે ભિન્ન રંગની
નસીમ

વાયુની લહેરીઓમાં પરિચિત સુવાસ છે,

મારા હૃદયની ઊર્મિઓ શાને ઉદાસ છે?

ખીલે જખમનાં ફૂલ, ફરી આવી છે વસંત,

થીજેલા રુધિરને ઝાકળની પ્યાસ છે.

સંભારણાં ફરી ફરી ચીતરે છે ચિત્ર કંઈ,

ભીનપ છે આંખે અશ્રુની ને ઉષ્ણ શ્વાસ છે.

કિરણો ફૂટે પ્રભાતનાં ચીરીને વાદળાં,

એકએક કિરણ મહીં દીપકનો વાસ છે.

સૌંદર્યનું ઝરણ બધે વહેતું દીસું છું હું,

બ્રહ્માંડ મુજ નજર મહીં સૌંદર્ય-વાસ છે!

આભાસ કહી શકું કહું દૃષ્ટિ-ભ્રમ ફક્ત,

સર્જન છે યા બધુંય, જે સર્જકનો ભાસ છે.

દૃશ્યો જુદાં છે, ચિત્ર છે એક નિસર્ગનું,

કન્દીલ છે ભિન્ન રંગની - એક ઉજાસ છે.

ઝાંખા મિનાર જોઉં છું, પથ દૂર છે ‘નસીમ’,

ઉરને જીવનની આશ છે, તૂટેલ શ્વાસ છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ