કોઈની સાથે નથી હરીફાઈમાં

koini sathe nathi harifaimaa

રાકેશ હાંસલિયા રાકેશ હાંસલિયા
કોઈની સાથે નથી હરીફાઈમાં
રાકેશ હાંસલિયા

કોઈની સાથે નથી હરીફાઈમાં,

રહે છે એટલે સરસાઈમાં.

જીવવાનું રોજ ભલમનસાઈમાં!?

એય પાછું આટલી મોંઘાઈમાં?!

ચોરીને લાવ્યા તમે એને ભલે,

સૂર ક્યાંથી લાવશો શરણાઈમાં?!

એમની આકાશ સુધી પહોંચ છે,

ભલે ટૂંકો રહ્યો લંબાઈમાં!

કોઈ પીંછું ઊડતું આવી ચડે,

એય ગમતું હોય છે તન્હાઈમાં.

થાય ક્યાંથી એને દર્શન ટોચના,

જે કદી ઊતર્યા હો ગહેરાઈમાં.

એમ કોઈ ક્યાં પૂરે છે કીડિયારું

જીવ ખુદનો હોય કીડીબાઈમાં!

કોઈ મારા શત્રુ કાં બનતા નથી?

કંઈક તો ખામી હશે સચ્ચાઈમાં.

એવી રીતે એમણે પડતું મૂક્યું,

જાણે કંઈ ભાળી ગયો હો ખાઈમાં!

સ્રોત

  • પુસ્તક : પદ્ય : જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯, અંક-૧ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ, ધ્વનિલ પારેખ