ફૂલ બનેલી બે જ ઘડીમાં
phool banelii be j ghadiima
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
ફૂલ બનેલી બે જ ઘડીમાં
મૌન પીગળતું આંખલડીમાં
હાથ નહીં શેકાય હવાના
રાખ વળી ગઈ છે સગડીમાં
એવો તો હું અક્ષર છું કે
ક્યાંય મળું ના બારખડીમાં
કોની મુદ્રા ઊપસી આવી
મારા શબ્દોની લગડીમાં
કવિતા તો છે કેસર વાલમ!
ઘોળો સોના-વાટકડીમાં
સ્રોત
- પુસ્તક : એમ પણ બને (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : નીતિન વડગામા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
