પ્રેમીની બેપરવાઈ

premini beparwai

ડાહ્યાભાઈ દેરાસરી ડાહ્યાભાઈ દેરાસરી
પ્રેમીની બેપરવાઈ
ડાહ્યાભાઈ દેરાસરી

મીઠા હસવા મહીં સચ્ચાઈ, અરેરે કાંઈ ભાળી નહીં,

જગત જોઈ વળ્યો બધું, વફાઈ મેં નિહાળી નહીં.

હૃદય દ્રવતાં પૂજી ઝાઝી, મનોહર મૂર્તિઓ પ્રેમે;

ગઈ સહુ વ્યર્થ મુજ સેવા, અનન્યે કોઈ રીઝી નહીં.

ફર્યો બની બાગમાં ઘેલો, મુખે ગુણગાન ગાતો હું;

સુણીને ગાન કોઈ ફૂલડે, હૃદયકળીને વિકાસી નહીં.

ગણ્યું નહિ માન કે જ્ઞાને, ગણી નહિ લોકની લજ્જા;

બની બેકેદ મેં કીધું, સરવનું સ્નાન, લેખ્યું નહીં.

બધા ભવબંધ કાપીને, ચટકીમાં મસ્ત કરી દેતો;

ઘણો જાચ્યો ગરીબીથી, લગીર પણ પ્રેમ પામ્યો નહીં.

અહીંનાં સુખડાં ભૂંડાં, દુઃખી અંતે નીવડવાનાં;

જગતજંજાળમાં જરી યે, અમારો ઠાઠ જામ્યો નહીં.

અરે! જા બેકદર દુનિયા! ભરોસો રંચ નહિ તારો;

તહારાં નાજનખરાંની, અમારે કાંઈ કિંમત નહીં.

અમે દેરાસરી નિત્યે, અલખની લેહ લગાવીશું;

રમીશું ખાખ એકલડા, અમારે કાંઈ પરવા નહીં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942