લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બ્હાર બધે,

ન્હૈં તો અહીં એકીસાથે શાયરના અવાજો શા માટે?

આકાશી વાદળને નામે વાત તમોને કહી દઉં છું,

કાં વરસી લો, કાં વીખરાઓ, અમથાં ગાજો શા માટે?

મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,

ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

જલતી શમાને ઠારો ના, પરવાનાને વારો ના,

પ્રેમની પાગલ દુનિયામાં વહેવારું ઇલાજો શા માટે?

કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી?

‘પી’ ‘પી’ કહેનારા બોલે છે, ‘પાજો’ ‘પાજો' શા માટે?

દફનાઈ જવા દો ગૌરવથી જ્યાં જનમે છે ત્યાં ને ત્યાં,

આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?

નમન-નમનમાં હોયે છે કૈં વધતો-ઓછો ફેર નકી,

ન્હૈં તો નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?

દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,

સ્હેજ ઉંમરમાં આવ્યાં કે રોજ તકાજો શા માટે?

વાત નથી છાની-છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,

શરમાળ કુસુમને કહી દો કે ‘મધુકર’નો મલાજો શા માટે?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4