તાપીનો કિનારો તો નથી

taapiino kinaro to nathi

આસિમ રાંદેરી આસિમ રાંદેરી
તાપીનો કિનારો તો નથી
આસિમ રાંદેરી

એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,

જેને સમજો છો કિનારો કિનારો તો નથી.

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,

ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી.

ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,

એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન?

સ્હેજ જોજો, કોઈ પડછાયો તમારો તો નથી.

દિલના અંધકારમાં, ચાંદની ક્યાંથી ખીલી?

ચંદ્રમુખ! મહીં ઓછાયો તમારો તો નથી?

મુજને દુનિયાય હવે તારો દીવાનો કે' છે,

એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી?

મુજને મઝધાર, મોજાંઓ ફરી લઈ ચાલો,

મારો હેતુ, મારી મંઝિલ કિનારો તો નથી!

હુંય માનું છું નથી ક્યાંય 'એ' દુનિયામાં નથી,

પણ વિચારો તો બધે છે વિચારો તો નથી!

માત્ર મિત્રોનું નહિ, દુનિયાનું દરદ છે એમાં,

કોઈનો મારી મોહબ્બતમાં ઇજારો તો નથી!

પ્રેમ-પત્રો હરીફોના ભલે વાંચો; તમે,

એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી?

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો 'આસિમ!'

મારી 'લીલા', મારી ‘તાપી'નો કિનારો તો નથી.

સ્રોત

  • પુસ્તક : આસિમ રાંદેરીની ચૂંટેલી ગઝલો : લીલાયન (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : હરજીવન દાફડા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022