પથ્થરના પડથાર

paththarna paDthar

પથ્થરના પડથાર

વનમાં વનફૂલ વીણે સીતા ને રામ સ્નેહે વસે છે.

વનમાં રામેં મઢી બનાવી,

ત્યાં વસે સીતા ને રામ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

વે’તી ગોદાવરીને કાંઠે વસે છે,

વનમાં કીધાં છે વાસ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

ગાદી ને તકીયા વનમાં ક્યાંથી?

પથ્થરના છે પડથાર, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

મેડી ને મોલાત વનમાં ક્યાંથી?

ઝુંપડીમાં કીધા વાસ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

ભાવતાં ભોજન વનમાં ક્યાંથી?

વનફળ વીણી ખાય, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

દાસ ને દાસીયું વનમાં ક્યાંથી?

ભીલડાંના છે સાથ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

સગાં ને વા’લા વનમાં ક્યાંથી?

સાથે છે ઝાડવાનાં ઝુંડ, સીતા ને રામ પ્રીતે વસે છે;

વનમાં વનફૂલ વીણે, સીતા ને રામ સ્નેહે વસે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, હરિભાઈ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968