ચોમાસામાં

chomasa ma

નર્મદ નર્મદ
ચોમાસામાં
નર્મદ

(મંદાક્રાંતા)

તૈયારી છે ચુપચુપ કહે કાગડાઓ નકીબ,

સંધું દીસે પવન હીલે શાંત રૂડું ગભીર;

શોભા વર્ણું શું હું ઝટ પછી મેઘરાજા પધાર્યા,

વૃક્ષાદિએ હરખથી નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા.

કેેવો થંડો પવન અતિસેં જોરમાં આવતો રે,

આવી ઝડપથી બહુ વાદળી કાળી જો રે;

આહા કેવું પડું પડું કરે ઘોર આકાશ ભારે,

ઓહો આવ્યો ખૂબ તૂટી પડ્યો મેઘ મોટી ધારે.

ચારે પાસે વીજળી ચમકે ઉપરા ઉપરી રે,

ગાજી રેહે ગરજન થકી રાન આખું વળી રે;

વ્યાઘ્રો સિંહો અતિસ તડૂકે ઝાડ મોટાં પડે રે,

જોતાં ત્રાસે પ્રથમ નીકળ્યો તે પ્રવાસી મરે રે.

જોગી બીજા જન હું સરખા કષ્ટ જેને પડેલાં,

તેઓ રાને લવ નવ બીહે જોઈ ઉત્પાત ઘેલા;

જોગી હર્ષે ચિંતન કરતા સચ્ચિદાનંદનું ને,

દુઃખી અજ્ઞાઃ મરણ ઇછતા સુજ્ઞ તે રંગ જુએ.

ચાલ્યા જાએ ગડગડ ગડી ભડાકા કડકા,

વીજો ચળ્કે જળ ખૂબ પડે વાયુ લેતા તડાકા;

વાંસો ફૂટે તડ તડ કરી રાન થાયે કરાળ,

ઓથો વિના સરવરતટે બૂમ પાડે મરાળ.

પ્હાડે મોરો થન થન કરે સૂર ઊંચું લઈને,

આંબા ડાળે કરતી ટહુકા ખૂબ કોએલડી તે;

દાદૂરો તે સરવર વિષે બોલતા કૂદતા ને,

પીએ તોયે પય પય કરે આકળા ચાતકા તે.

પાણી પાણી સકળ વનની કુંજ માંહે મચે ને,

પ્હાડી ભૂમિ ચકચક બને સાફ ધોવાઈને રે;

થંડી મીઠી અનુકૂલ હવા થાય તાંહાં પછી રે,

દર્દો જાએ દરદી જનનાં રમ્ય પાણી હવાએ.

ખેડૂ લોકો શરીર ભીંજવી ખેતરે કામ કર્તા,

જેને થાયે શરદી ગરમી થોડી રે અન્ય કર્તાં;

આહા જોતાં બહુ નવનવા રંગના જીવજંતો,

થાયે ડાહ્યો સમજણ થકી જીવ મારો નચંતો.

પ્હાડો લાગે રમણિય બહુ છેક જંગાલી લીલા,

કોઈ ભૂરા ધૂમર થકી તો કોઈ આછા લીલા;

ઊંચે જોઉં પરવત ચડી તો ઘણા અભ્ર રંગી,

નીચે જોઉં ભરપૂર ખૂલ્યાં ઝાડનાં ઝુંડ રંગી.

આડો જાતો બહુ પવનથી મેઘ ઊંચેથી જોવો,

તો લાગે ધૂળ ઊડી રહી વા દીસે ધૂમ્ર ગોટો;

સિંધુ પ્હાડો તરુ નભ સહુ એક રંગે મળ્યાં રે,

માટી રાતી ભીની ભીની અને ઘાસ લીલાં ભીનાં રે.

ઊંચે તર્તાં વિધ વિધ કહું શોભતાં વાદળાંઓ,

આકારે જે તરુ પશુ જીવો પંખી જેવાં ઘણાંઓ;

કાણાંવાળા ઘું ઘું ઘું ઘું ઘું ઘું વાસ પોલા કરે રે,

તે તો કુંજે પ્રિય કરણને ખૂબ લાગે ખરે રે.

કો કો ઠામે ડુંગર પરથી ધોધ મોટા પડે રે,

જેમાં રૂડા સૂરજ કિરણે રંગ ઝાઝા બને રે;

એને જોતાં અચરજ થઈ કાં તુંને સ્તવું રે,

ધો ધો ધો ધો મધુર સુણતાં કાં લ્હેરે સૂઉં રે.

વ્હાણે સાંજે રૂડું ધનુષ જે આસમાને જણાયે,

જોતાં તેને નિરભય તરે કો આનંદ માંહે;

થાયે જોતાં નદી ભરપૂરી કેમ ના મંન મોટું,

સુણે પાણી ખળખળે થતું કેમ ના સ્હેજ લોટું.

હોડી ચાલે છર છર કરી કાપતી પાણીને ને,

ખેંચી બાંધ્યા પવન થકી તોય ફૂલે સઢો તે;

ભારાવાળી નમી રહી જુઓ બાજુ પાણી ભણી રે,

સંધ્યાકાળે તટ નિરખવું મોજ આહા ઘણી રે.

શોભે કેવાં બહુ ખડ અને ધાન્ય તે ખેતરોમાં,

ઝાડો લીલાં વિવિધ ફૂલડાં વંન ને વાડીઓમાં;

મીઠાં ખાસાં સરવરતણાં નીર તો નિર્મળાં ને,

મેદાનોમાં હરણ બકરાં ગાય ઘેટાં ચરે રે.

આકાશે તો ચકચક થતો શ્વેતવાગો સજ્યો રે,

તારાઓ જે મુઝઈ રડતા શોક તેણે તજ્યો રે;

પીડાતો તે અતિસ કમળે ચંદ્ર સારો થયો ને,

પાવા માંડી ફરી મીઠી સુધા ધન્ય તેણે સહુને.

રાતે ચાંદો અધવચ ઠરે થંડ આકાશમાં ને,

તારા સંધા ચળકી રહે ખૂબ ગંભીરતાએ;

શબ્દો લાગે દૂર થકી થતા માછીના મિષ્ટ કાને,

વાયુ આવે ફરફર વળી મઝો કોણ જાણે!

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ