મરણશીલ પ્રેમી

maranshil premi

કલાપી કલાપી
મરણશીલ પ્રેમી
કલાપી

આયુ સ્વલ્પ મનુષ્યને દઈ કર્યાં પ્રેમી ઈશે કાં ભલા

શું પીવાય મુહૂર્તમાં રસઘડા વ્હાલાંદિલે જે વસ્યા?

સંતોષે સુખમાં રહેત દિલ જો તે હોત હર્ષે ભર્યું;

માગું ના કદી દીર્ઘ જીવિત જો તે હોત આનન્દનું!

ગાઢાં સંકટમાં પડ્યાં હૃદય કો ચીરાય ભોળાં, અહો!

ઝીણા ઘૂંઘટમાં છુપાઈ સરતો આનંદ તેઓ તણો;

આશા મનુષ્યનું જીવિત છે, તો આશ રાખું ભલે:

મૃત્યુ બાદ મળો અખંડ સુખનો કો દેશ સૌ પ્રેમીને!

આહીં તો કદી હાસ્ય થાય પ્રિયથી, વા હસ્તમેળા બને,

જાણી ના રતિ કોઈના હૃદયની ત્યાં મૃત્યુ આવી મળે!

વ્હાલા! દુર્લભ હર્ષ છે અતિ અહીં તો મૂલ્ય મોંઘું નકી,

તેને આદરભાવથી હૃદયમાં રાખો જીવો ત્યાં સુધી!

આવે રંગીન પક્ષીઓ મધુરવાં, ભાગે વસન્તાન્તથી,

કો વેળા ત્યમ હર્ષ સૌ હૃદયમાં આવી ઊડે છે ફરી!

હોજો વિદ્યુત-સાંકળી ચળકતી પ્રેમાર્દ્ર હૈયાં વિષે!

સ્પર્શે હર્ષ જરી કો હૃદયને તો સર્વવ્યાપી બને!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004