મારી કિસ્તી

mari kisti

કાન્ત કાન્ત
મારી કિસ્તી
કાન્ત

નવ સૂઝે ઉપાય કંઈ, ડોલાય મારી કિસ્તી!

આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી!

ભવ-સમુદ્ર છે સખત,

બચે જો કો લખ્યું લખત,

સહસા તોયે વખત ઝુકાવી છે મેં કિસ્તી!

અજાણ્યો છું જોકે, અગર,

નથી દીઠું બીજું નગર;

વિચાર કંઈ કર્યા વગર ઝુકાવી છે મેં કિસ્તી!

અન્ય દશા જોઈ રડત,

ધીમે ધીમે ગતિ કરત;

પણ અરે! તો તરત, ઝુકાવી છે મેં કિસ્તી!

દેખી નહીં શકું ચંદર,

કેમ દેખું ત્યારે બંદર,

મોજા તોફાનીની અંદર, ઝુકાવી છે મેં કિસ્તી!

સફરનો હતો ચરસ,

ગણતો'તો ઘણી સરસ,

દીસે ઘણાં થયાં વરસ! ઝુકાવી છે મેં કિસ્તી!

નવ સૂઝે ઉપાય કંઈ ડોલાય મારી કિસ્તી!

આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી!

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941