મુંબાઈ વિષે

Mubai Vishe

દલપતરામ દલપતરામ
મુંબાઈ વિષે
દલપતરામ

(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)

દેવી દેવ સમાન માનવિ દિસે, વૈમાન શાં વાહનો,

શોભા સુંદર મંદિરોની નિરખી, મેળો મહોત્સાહનો;

શું હું જાગ્રત છું જરૂર ઉરમાં, કે સ્વપ્નની વાત છે,

સાચું મુંબૈ નામ શહર છે, કે સ્વર્ગ સાક્ષાત છે.

(વસંતતિલકા વૃત્ત)

મુંબૈ શહેર શુભ સાગર તીર જોયું,

જોતાં મનોહર દિસે મન મારું મોહ્યું;

લક્ષ્મી તથા વિવિધ વૈભવથી ભરી છે,

જાણે ધરા ઉ૫ર ઇંદ્રપુરી ધરી છે.

મુંબૈ વિષે સુજન વાસ ઘણા કરે છે,

જે પારકાં દુખ સદા દિલમાં ધરે છે;

જાણે રુડાં નિધિતણાં નર રત્ન એજ,

જેનું જણાય જગમાં જશ રૂપી તેજ.

મુંબૈ વિષે બહુ સ્ત્રિઓ અતિ રૂપવાળી,

એવો વિચાર, ઉપજે ભલિભાત ભાળી;

દેવાસુરે નિધિની એક રમા ઉધારી,

તો અનેક કમળા કહિંથી પધારી.

વ્યાપાર સિંધુ પથનો જન જે કરે છે,

તે લક્ષ્મિનો અધિક લાભ અલભ્ય લે છે;

તેનું વિશેષ વળી કારણ એક છે,

લક્ષ્મી સદૈવ શુભ સાગરની સુતા છે.

ઉદ્યોગ એક વળી ઈશ્વરની કૃપાથી,

બેથી મળે કદિ ઉદ્યમ એકલાથી;

નાવીક લોક પણ નિત્ય સમુદ્ર સેવે,

તે હોય છે તદપિ હાલ હવાલ કેવે.

રસપ્રદ તથ્યો

1. ધરા = ખરેખર અહિં (પાં.આ.), 2. ધરા = પૃથ્વી, 3. રૂપવાળી = દિસતી રૂપાળી, 4. રમા = લક્ષ્મી.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002