શરદ ઋતુનું વર્ણન

Sharad Rutu nu Varnan

દલપતરામ દલપતરામ
શરદ ઋતુનું વર્ણન
દલપતરામ

(માલિની વૃત્ત)

કદિક નભ ચડે છે, વાદળાં શ્વેત રંગે,

શરદ જલદ છાઈ, વૃદ્ધતા જેમ અંગે;

કદિક જલદ વૃષ્ટિ, સર્વડાંની કરે છે,

મિત ધન પણ દાતા, દાન તો જેમ દે છે.

નભ ૫ર વિલસે છે, વાદળાં શ્વેત કેવાં,

હિમગિરિ શિખરો તે, શોભતાં હોય જેવાં;

કદિ કદિ રવિ તેમાં, ગુપ્ત થૈને જણાય,

મિત ધન અતિ દાતા, જેમ દેતાં લજાય.

*

(માલિની વૃત્ત)

શરદ ઋતુ સમામાં, સ્વચ્છ આકાશ દીસે,

દર૫ણ શુભ માંજ્યું, જેમ ઓપે અતીશે;

ચળક ચળક થાતું, ચંદ્રનું બિંબ ચારુ,

અમળ કમળ ઓપે, નીરમાં જેમ સારું.

ચળક ચળક થાતું, ચંદ્રનું બિંબ કેવું,

સરસ વદન શોભે, રાત્રિ રાણીનું જેવું;

વળી ગગન વિષે આ, સ્વચ્છ તારા ઘણા છે,

રજનિ તરુણિના શું, હાર હીરાતણા છે.

શશિ સનમુખ ભાળે, ચાહિ ચાહિ ચકોરી,

જનમથકીજ બાંધી, પ્રેમની જેમ દોરી,

પ્રભુ પદ પર પ્રેમી, જે રીતે પ્રેમ આણે,

અવર સકળ મિથ્યા, જીવમાં એમ જાણે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002