પાદર ઉકરડાની સોડે વંટોળિયો

જાગ્યો, ક્હેવી વાત કોને કથી?

વાટમાંની ધૂળ ચડી અંકાશે બોલતી :

'ઊઠ રે! ઉકરડા, જોતો નથી?'

પાસે સૂતાં'તાં પગલાં પંપાળતાં,

ચંપાતાં વાટમારગુને પગે.

રે પગલે પ્રાણ પૂર્યા કે વાયરે?

ધૂળના વંટોળ આજ ગગને ચગે!

'ચલ રે રમીએ સહુ સાથ ફેરફૂદડી,

જડ! કાં જમીનને બાઝી રહ્યો?

કોહેલી કાય તારી તાજી રે થાય ભાઈ!'

ક્હેતો ચક્કરચકર ઘૂમી રહ્યો.

'ક્હોશું ને ધરતીને આંતરડે બાઝશું,

વિણ અવતાર કદી પૂરણ ફળ્યો?

'જો રે પાંદડાંય વળગ્યાં પૂછડીએ,

પળમાં ચોખૂંટ ભોમ ઘૂમી વળ્યો!

ધૂણે છે ઝાડવાં ને ધ્રૂજે છે છાપરાં,

કિસ્મતપલ્ટાની આજ દંગલ મચી!

ડુંગર ઉખેડી, ખેડ સાથે મિલાવશું,

ધરતી પર એકતા દેશું રચી!'

કૂદ્યો વંટોળિયો, ને આંખો રે ચોળતો

આંધીમાં ઉકરડો બેસી રહ્યો;

ખોલીને જોયું તો પડિયો રે વાયરો,

ધૂળમાં વંટોળને ઢબૂરી ગયો!

બીજે પરભાત એક આવ્યો ખેડૂત, ને

ઉકરડો પાદરથી ખેતર ગયો;

દખ્ખણના વાયરા સીંચી ગ્યાં વાદળાં,

ઉકરડો અંગ અંગ મ્હેકી રહ્યો.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ