આજ થતું કે

લાવ,

આભને અડું :

પવનનું ગવન ફરકતું

લાવ, અંગ પર ધરું;

દરિયાના

તરંગ તરંગ તરંગ ઉપર

ઠેકી ઠેકી

અહીં તહીં આળોટું...

લાવ, ઝાકળે લળું,

સુગંધે ભળું;

મારા સૂરને લાવી આપું

પંખીનું

ઝીણું ગળું...

લાવ, ઊંચકું પ્હાડ,

ચરણમાં આજે બાંધું ઝરણું;

ગુલમહોરના આખા વનની

ભીની મર્મર

એક સામટી

રોમરોમમાં વણું...

લે પારિજાની

કેસરિયાળી દાંડી લઈને

આજ તને હું લખું...

તને હું મળું...

તને હું મળું...

તને હું મળું...

(કવિમિત્ર રમેશ પારેખને અર્પણ)

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ