ગલ, વાયસ : શ્વેત, શ્યામ;

અંભોધિને તટપ્રદેશ રમે 'ભિરામ.

સંધિને સમય...

અચલ શર્વરીનું

ઝીણું, વરેણ્યકિરણે ગ્રહી લીધ સ્હેજ.

રે બે સલજ્જ ઉરનો મધુપર્કમેળો!

અંકાય પેલી ક્ષિતિજે અરુણાઈ કેવું

આનંદની લહર શું પ્રસરંત હેત!

આછો ઉઘાડ સમચિત્તની શાન્તિવંત :

પાંખો રમે ધવલકૃષ્ણ હળીમળીને :

આંહીં વ્યતીત-ભવિતવ્ય-મહીં વિહાર

રે સ્વપ્ન-જાગૃત-અવસ્થિતિ-એકસંગ!

હું અર્ધ પાંપણઢળેલ દૃગો ભરીને

છાયાપ્રકાશમય વિશ્વ લહું લલામ.

છાયા પ્રકાશ...

ગલ, વાયસ...

શ્વેત, શ્યામ!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 25)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ