હા કબૂલ્યું ગુપ્તચર હું,

નામ બદલી

મૌનનાં કાળાં રહસ્યો પામવા

ભટકું અહીં

હું છદ્મવેશે.

છંદના ખંડેરમાં બેસું કદી

બાવો બની,

લયની સૌ ભઠિયારગલીઓમાં

સદા ભૂખ્યાનો કરતો ડોળ

રખડું.

હાયકુના સત્તરે અક્ષર મહીં

સંકેત કરતો,

ફૂંક મારી દઉં ગઝલના કાનમાં,

એકેક ચપટા શબ્દના પેાલાણને,

અંદર જઈ જોઉં તપાસું,

સહેજ પણ શંકા જો આવે કોઈને તો

અર્થના નકશાઓ ચાવી જાઉં.

હા કબૂલ્યું ગુપ્તચર હું.

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989