આઠ કૂવા ને નવ વાવડી રે લોલ

aath kuuvaa ne nav vaavdii re lol

દયારામ દયારામ
આઠ કૂવા ને નવ વાવડી રે લોલ
દયારામ

આઠ કૂવા ને નવ વાવડી રે લોલ, સોળસેં પનિહારીની હાર,

મારા વ્હાલાજી હો! હાવાં નહિ જાઉં મહી વેચવા રે લોલ.

સોના તે કેરું મારું બેડલું રે લોલ, ઊઢેણી રત્નજડાવ.મા૦

કેડ મરડીને ઘડો મેં ભર્યો રે લોલ, તૂટ્યો મારો નવસરહાર. મા૦

કાંઠે તે ઊભો કહાનજી રે લોલ, ‘ભાઈ, મને ઘડૂલો ચડાવ.’ મા૦

‘હું તુંને ઘડૂલો ચડાવું રે લોલ, થાય મારા ઘર કેરી નાર’ મા૦

‘તુજ સરખા ગોવાળિયા રે લોલ, તે તો મારા બાપના ગુલામ.’ મા૦

‘તુજ સરખી ગોવાળણી રે લોલ, તે તો મારા પગની પેજાર.’ મા૦

દયાના પ્રીતમ પ્રભુ પાતળા રે લોલ, તે તો મારા પ્રાણના આધાર. મા૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995