એ વીરા! જરણાના ફળ તો

ae viiraa! jarnaanaa phal to

ધ્યાનનાથ ધ્યાનનાથ
એ વીરા! જરણાના ફળ તો
ધ્યાનનાથ

વીરા! જરણાના ફળ તો,

અફળ કેમ હોશે રે જી;

જરણા જો જીરવે સો નર મુગતિ પામશે,

સાચા સો નર પાવશે...

હે વીરા! સરસત સમરું શારદા માતા,

જેણે જરણાનું મૂળ બતાયો;

અજરા જરીને એકાંતે બેઠા,

ફળ સચિયારે પાયો...

હે વીરા! મેરુ શિખરને, અજેપાલ ચકવો,

જેણે જુગતાં રો જામો રચાયો;

જ્યોતું જગાડી એણે અજિયા ઉઠાડી,

જેણે બાદશાને પાયે લગાડ્યો...

હે વીરા! આબુ શિખર ગઢ કુંભો રાણો,

જેની પૂરી પંદરસેં રાણી;

એક સમે ઘેર બારોટ આવ્યો,

માગે કુંભાની રાણી...

હે વીરા! નાસત કહું તો આસત જાવે,

નાસતડે ફળ લાજે;

જે મોલમાં બારોટ તમે અમને દેખો,

મોલ તમણે કાજે...

હે વીરા! સાંજ પડ્યે મો'લે બારોટ આવ્યો,

મો’લે મો'લે દીવડાની જ્યોતું;

જિયાં જિયાં જાય નિયાં બેઠો કુંભોરાણો,

ખાલી મો'લ ક્યાંથી ગોતું?

સવાર પડી ને બારોટ દરબારે આવ્યો,

કુંભારાણાને પાયે હાથ ધાર્યો;

રતિ એક રોષ રાજા રુદિયા જાણ્યો,

ધન ધન ઘરમ તમારો...

હે વીરા! સતમાં હતાં એક રૂપાંદે રાણી;

તો સદ્‌ગુરુ વચને હકે હાલી;

રાવળ માલો હતો એંકારી તોય,

વીસા ધરમે મહાલી...

હે વીરા! સતમાં હતાં એક તારાદે રાણી,

ઘરમુંને કાજે વેચાણી;

રાજપાટ પરહરી અજોધા નગરીમાં,

નીચ ઘેર ભરિયાં તો પાણી...

હે વીરા! સતમાં હતાં એક તોરલ કાઠિયાણી,

ચોર હતો જેસલ નિરવાણી,

સાસતિયા ને સધીર ઓધાર્યા,

મહા રે સતી કહેવાણી...

હે વીરા! સતમાં હતો એક સગાળશા શેઠિયો,

જેના ઘરમાં ચંગાવતી રાણી;

ચેલૈયો વળોંધી જેણે અતીત જમાડ્યા,

મનમાં ભ્રાંતું નવ આણી...

માતા કુંતા સતી દ્રુપદી જેણે;

પાંચ પાંડવને ઓધાર્યા;

દોય કરજોડી જોગી 'ધ્યાનનાથ' ગાવે,

એટલી નારીએ તે નરને ઓધાર્યા...

સ્રોત

  • પુસ્તક : બીજમારગી ગુપ્ત પાટ-ઉપાસના અને કંઠસ્થ પરંપરામાં જળવાયેલી મહાપંથી સંતવાણી (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ડૉ. નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1995