અનંત જુગ વીત્યા

anant jug viityaa

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
અનંત જુગ વીત્યા
નરસિંહ મહેતા

અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં

તો યે અંતર રહ્યું છે લગાર,

પ્રભુજી છે પાસે રે, હરિ નથી વેગળા રે,

આડો પડ્યો છે એંકાર. -

દિનકર રૂંધ્યો રે જેમ કાંઈ વાદળે રે,

મટ્યું અજવાળું ને થયો અંધકાર,

વાદળ ખસ્યું ને જેમ લાગ્યું દીસવા રે,

ભાનુ કાંઈ દેખાયો તે વાર.

લોકડિયાની લાજું રે બાઈ, મેં તો ના’ણીઓ રે,

મેલી કાંઈ કુળ તણી મરજાદ,

જાદવાને માથે રે, છેડા લઈને નાખીઓ રે

ત્યારે પ્રભુવર પામી છઉં આજ.

નાવને સ્વરૂપે રે, બાઈ, એનું નામ છે રે,

માલમી છે એના સરજનહાર,

‘નરસૈંયા’નો સ્વામી રે, જે કોઈ અનુભવે રે,

તે તો તરી ઉતારે ભવ પાર.

અનંત જુગ વીત્યા રે પંથે રે હાલતાં.

સ્રોત

  • પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1987