બેડો બાઈ બૂડતો તારે રે

bedo baaii buudto taaro re

રાવો રાવો
બેડો બાઈ બૂડતો તારે રે
રાવો

બેડો બાઈ બૂડતો તારો રે, અંબે આઈ પાર ઉતારો રે.

ખેપે હું તો ઘણું કમાયો, ભર્યો અનર્ગલ માલ;

મધ્ય દરિયા વચ્ચે તોફાન લાગ્યું, શા રે થાશે હેવાલ.

ખલાસિયા તો બડબડ કરે છે, મહા જુલમ મનમાંય;

માલધણી વિમાશી રહ્યો છે, ડોલ્યું દરિયામાંય.

મધ્ય દરિયા વચ્ચે ડોલ્યું માતાજી, વહાણને નથી વિશ્રામ;

એક નામનો આશરો તારો, કરો સેવકનાં કામ.

ઊંચું જોઉં તો આભ માતાજી, નીચું જોઉં તો નીર;

બાળા શક્તિ મારી બૂમ સાંભળજો, સાજું રાખોને શરીર.

કુવાયરાની લહેરો લાગીને, મોજાંતણી શી વાત;

અપશકુનિયા વેળા આવી છે, ધાઓ ધાઓ અંબેમાત.

હાથેથી હવે નેજા છૂટ્યા, સઢ પણ ડંડાતોડ;

અંત સમાની વેળા થઈ હવે, મોટે ભાલે છે મોડ.

ડુંગરિયે તો દવ લગાડેલો, પૂર્ણ કીધેલાં પાપ;

એક પહોરથી સ્તુતિ કરું છું, આવોને આપોઆપ.

અરધું વહાણ મેં અર્પણ કીધું, સાક્ષી ઊંચો આભ;

અવસર આરાસુરી આવો, નથી ખાવો મારે લાભ.

જગત જનેતા સ્તુતિ સુણી થયાં, વાઘ ઉપર અસવાર;

ઝાઝ ઉપર જઈ ત્રિશૂળ ઝાપટ્યું, તાર્યું તે જળમોઝાર.

વહેવારિયો તો અચરજ પામ્યો, આવ્યું તે મનમાં વહાલ;

કર જોડી રાવો ભક્ત ભણે છે, અરપી દીધો માલ.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : રામનારાયણ વિશ્વનાથ પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ