ભજન કરી લે રે

bhajan karii le

નબીમિયાં નબીમિયાં
ભજન કરી લે રે
નબીમિયાં

ભજન કરી લે રે, ભજવાની છે ઘડી,

મનુષ્ય દેહ પામ્યો રે, જીતી લેને પ્રેમની દડી, રે જી.

અવસર તારો એળે જાશે, શી ગત તારી થાય,

જે આવ્યા તે નિશ્ચય જવાના, ફોગટ ફેરા શું ખાય,

અવગ્યાનીને અંધારું રે, ભ્રમણામાં રહ્યા રે અડી... ભજન૦

ઝટપટ ચેતી જોને તુજમાં, કોને પૂર્યો વાસ,

ખલકામાં તે રમે છે, આતમ છે અવિનાશ,

તું તેને જોની રે, બ્રહ્મ રહ્યો છે અડા રે અડી... ભજન૦

ચંદનની સુગંધ લાગે લીમ કું, તો લીમનો ચંદન થાય,

એવા છે સતગુરુનાં ચરણ, જેમ યેળને ભમરી કહેવાય,

દાસ 'નબી' કહે છે રે, ધારણ જઈ ગગન ચડી... ભજન૦

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૨ (પૃષ્ઠ ક્રમાંક 783)
  • સંપાદક : મટુભાઈ કાંટાવાળા