ભક્તિ શૂરવીરની સાચી

bhakti shurwirni sachi

ભોજા ભગત ભોજા ભગત
ભક્તિ શૂરવીરની સાચી
ભોજા ભગત

ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહીં મેલે પાછી. (ટેક)

મન તણો જેણે મોરચો કરીને; વઢિયા વિશ્વાસી રે;

કામ-ક્રોધ-મદ-લેાભ તણે જેણે ગળે દીધી ફાંસી રે.

ભક્તિo

શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી રે;

કાયર હતા તે કંપવા લાગ્યા, એ તો નિશ્ચે ગયા નાસી રે.

ભક્તિo

સાચા હતા તે સન્મુખ ચડયા ને, હરિસંગે રહ્યા રાચી;

પાંચ પચીસથી પરા થયા, એક બ્રહ્મ રહ્યા ભાસી રે.

ભક્તિo

કર્મના પાસલા કાપી નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી;

અષ્ટ સિદ્ધિને ઇચ્છે નહીં, ભાઈ, મુક્તિ તેની દાસી રે.

ભક્તિo

તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;

ભોજો ભગત કહે ભડ થયા, એ તો વૈકુંઠના વાસી રે.

ભક્તિo

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983