છપ્પન ભોગ જ્યાં કવણ તાંદુલ ત્યાં

chhappan bhog jyan kavan taandul tyan

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
છપ્પન ભોગ જ્યાં કવણ તાંદુલ ત્યાં
નરસિંહ મહેતા

છપ્પન ભોગ જ્યાં કવણ તાંદુલ ત્યાં? આપતાં ઉર સંકોચ આવે;

જોઈએ સર્વ તે આવી મળે કૃષ્ણને, તાંદુલ ભેટ તે તુચ્છ કહાવે. છ૦

ધાઈ લીધા હરિ, મુષ્ટિ તાંદુલ ભરી, પ્રેમે આરોગિયા તૃપ્તિ પામી;

ઇંદ્ર-કુબેરથી અધિક વૈભવ કર્યો, રુકમિણીએ કર ગ્રહ્યો શીશ નામી. છ૦

'એક રહ્યાં અમો, એક બીજા તમો, ભક્તને અઢળક દાન કરતાં’,

પ્રેમદાએ પ્રીતનાં વચન એવાં કહ્યાં, હાથ સાહ્યો ત્રીજી મૂઠી ભરતાં. છ૦

વિનતાનાં વચન તે વિપ્ર સમજ્યો નહિ, ચાલવા ઘર ભણી શીખ માગી;

નરસૈંને નાથે જઈ દ્વાર વોળાવિયો, મન તણી આરત સર્વે ભાગી. છ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994