દુનિયા તો દીવાની રે

duniyaa to diivaanii re

ધીરો ધીરો
દુનિયા તો દીવાની રે
ધીરો

દુનિયા તો દીવાની રે, બ્રહ્માંડ પાખંડ પૂજે;

કરતા વસે પાસે રે, મૂરખને તે નવ સૂઝે!... દુનિયા૦

જીવ નહિ એને શિવ કહી માને, પૂજે કાષ્ઠ પાષાણ,

ચૈતન્ય પુરુષને અળગો રે મૂકે, એવી અંધી જગ અજાણ!

અર્કને અજવાળે રે, પારસમણિ નવ સૂઝે!... દુનિયા૦

પથ્થરનું નાવ નીરમાં મૂકે, સો વાર પટકે શીશ,

કોટિ ઉપાયે તરે નહિ, તે તો બૂડે વસા વીશ,

વેળુમાં તેલ ક્યાંથી રે? ધાતુની ધેનુ શું દૂઝે?... દુનિયા૦

અંતર મેલ ભર્યો અતિ પૂરણ, અને નિર્મળ જળમાં ન્હાય!

સર્પ ડસીને દરમાં પેઠો, પછે રાફડો રૂંધે શું થાય?

ઘાયલની ગત ઘાયલ રે જાણે એમ જ્ઞાની હૃદે!... દુનિયા૦

દૂર નથી નાથ છે ઘણો નજીક, પ્રગટ પિંડમાં પેખ!

દિલ સુધારી દીદાર તારો આપે હૃદયમાં દેખ!

ધણી તો ‘ધીરા’નો રે જગતમાં જાહેર ઝૂઝે!... દુનિયા૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 170)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ