ફૂલ્યો શું ફરે છે રે
fulyo shu fare chhe re
દયારામ
Dayaram
દયારામ
Dayaram
ફૂલ્યો શું ફરે છે રે, ભૂલ્યો ભવકૂપમાં પડ્યો,
મનુષ્ય દેહ મોંઘી રે, ખોયો મણિ હાથે ચડ્યો.
શું સંપત્તિ ઘણી મેળવી, શું થયું મોટે ઘરબાર,
નિશ્ચલ થઈ હરિને ભજે નહીં, ભૂંડા ધિક તારો અવતાર,
ધિક તારું જીવ્યું રે, દૈવે તને શાને ઘડ્યો. ફૂલ્યોo
ડાહ્યો થઈ દુનિયામાં ફરે છે, તેણે શું સીધ્યું તારું કાજ,
જમની કચેરી જીતવી કઠણ છે, નથી રહેવાની તારી લાજ,
ડહાપણ તારું તારે રે, જ્યારે જમને કરે ન ચડ્યો. ફૂલ્યોo
વાંકી મૂછ ઉપર વાટ ઊઠી રે, નર્કની વાટે તું ઠર્યો,
મિથ્યા જનુની ભારે રે મારી, એવો જન્મ ધર્યો ન ધર્યો,
માટે જોની જાગી રે, અવસર આવી ચડ્યો. ફૂલ્યોo
સમજ મન મારા રે કહું છું, મોહમાયા મમતા તજ,
સ્મરણ કર પરબ્રહ્મ પુરુષોત્તમ, રાધાકૃષ્ણ હરિ ભજ,
દયો એવું જાણે રે, તે સર્વથી સરસ પડ્યો. ફૂલ્યોo
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 101)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
