ગોકુળિયે પધારો રે મારા નંદજી રે

gokuliye padharo re mara nandji re

ભાલણ ભાલણ
ગોકુળિયે પધારો રે મારા નંદજી રે
ભાલણ

ગોકુળિયે પધારો રે મારા નંદજી રે, જસોદાજી જોશે વાટ રે;

ટળવળશે મારી માવડીરે, દુઃખ ધરશે મુજ માટ રે. ગો...

કોમળ તે હૈડું તેહનું રે, જાણીએ તે નવનીત રે;

ક્ષણ વાર હે સહે નહિ રે; ધરથી વાધી પ્રીત રે. ગો...

મુગટ તે મયુર પુચ્છનો રે, આપ્યો છે આઇજીને હાથ રે;

રૂડી પેરે રાખજો રે, જેમ નીરધનને ઓથ રે. ગો...

કષ્ટે મે પરોવિયો રે, ગુંજા કેરો હાર રે;

યત્ને તે જાળવજો ઘણું રે, વાંસલડી તે પ્રાણાધાર રે. ગો...

લાખી રંગની ઓઢણી રે, લોબડી તે લલીત શું અંગ રે;

તેને મોંખીક રખે લાગતા રે, કોમળ લાગે અંગ રે. ગો...

કમળ વરણું મોળિયું રે, તે હું બાંધતો શીશ રે;

સાથે તે લાવ્યો નથી રે, જાણ્યું જે કરશો રીસ રે. ગો...

શીકૂં સ્વહસ્તે મેં ગુંથીયું રે, પાટતણું પચરંગ રે;

તેહ રખે વળી વિણસતું રે, લીધું નહિ મેં સંગ રે. ગો...

વાંસુલીડી જે વારે જડી રે, સુંદીર મારૂં શૃંગ રે;

રખે હરે તે ગોવાળીયા રે, વાળી છે તાન તુરંગ રે. ગો...

ગાય ચારીને મેં સાચવી રે, રખે તે દુબળી થાય રે;

દુધ જેનું મુને ભાવતું રે, પ્રેમે તે પાતી મારી માય રે. ગો...

આઇજીને કહેજો એટલું રે, તમ કને મારા પ્રાણ રે;

એવું કો વહાલું નથી રે, સાચી કહું છું વાણ રે. ગો...

મારે અહીં રહેવું નથી રે, વહાલું વૃંદાવન રે;

ચાર દહાડા રહી આવશું રે, સહુનું મનાવી મન રે. ગો...

વેગે હવે તમે સંચોરો રે, લ્યોને સઘળો સાથ રે;

તમથી હું અળગો નથી રે, કહે ભાલણ પ્રભુ રઘુનાથ રે. ગો...

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928