હરિ આવ્યા છે નારીના વેશે રે

haarii aavyaa naarii veshe

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
હરિ આવ્યા છે નારીના વેશે રે
નરસિંહ મહેતા

હરિ આવ્યા છે નારીના વેશે રે, એને કોઈ જુઓ રે;

શિવ-બ્રહ્મા જેનું ધ્યાન ધરે છે, તેને જોઈ જોઈ દુખડાં ખુઓ રે.

હરિ૦

માત-પિતા એનાં મનમાં વિમાસે : કહો, ક્યાં થકી આવી રે?

અચરત સરખું સહુને ભાસે : જલઝારી ક્યાંથી લાવી રે?

હરિ૦

બંધવ એનો તત્ક્ષણ ઊઠ્યો, આવ્યો મંદિર જાણી રે;

રતનબાઈ ઘણું વ્યાકુળ ફરે છે : 'તમે લ્યોને, મહેતાજી! પાણી રે.'

હરિ૦

પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે;

અંતર્ધાન થયા અલબેલો, વાત સહુ કોએ જાણી રે.

હરિ૦

જયજયકાર થયો જગ માંહે, હરખ વાધ્યો હૈયે રે;

નરસૈયાચો સ્વામી ભલે મળિયો, એનાં ચરણકમળમાં રહીએ રે.

હરિ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994