હરિ મારે હૃદયે રહેજો

hari hridaye rahejo

મીરાંબાઈ મીરાંબાઈ
હરિ મારે હૃદયે રહેજો
મીરાંબાઈ

હરિ મારે હૃદયે રહેજો, પ્રભુ મારી પાસે રહેજો.

જોજો ન્યારા થાતા રે, મને તે દિનનો વિશ્વાસ છે.

ધના ભગતે ખેતર ખેડ્યું, વેળુ વાવી ઘેર આવ્યા;

સંતજનોનાં પાત્ર પૂર્યાં, ઘઉંનાં ગાડાં ઘેર આવ્યાં રે. મને...

જૂનાગઢના ચોકમાં નાગરે હાંસી કીધી;

નરસૈંયાની હૂંડી સીકારી, દ્વારિકામાં દીધી. મને...

મીરાંબાઈને મારવા રાણાજીએ હઠ લીધી,

ઝેરના પ્યાલા અમૃત કરિયા, ત્રિકમ ટાણે પધાર્યા રે. મને...

ભીલડીનાં એઠાં બોર, પ્રભુ તમે હેતે કરી આરોગ્યાં,

ત્રિભુવનના નાથ તમને મીરાંબાઈએ ગાયા રે. મને...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011