હરિ! જેવોતેવો હું દાસ તમારો

hari! jevotevo hun daas tamaaro

દયારામ દયારામ
હરિ! જેવોતેવો હું દાસ તમારો
દયારામ

હરિ! જેવોતેવો હું દાસ તમારો! કરુણાસિંધુ! ગ્રહો કર મારો

સાંકડાના સાથી શામળિયા! છો બગડ્યાના બેલી,

શરણ પડ્યો ખળ અમિત કુકર્મી, તદપિ મૂકો ઠેલી. હરિ!

નિજ્જન જૂઠાની જાતી લજ્જા રાખો છો શ્રીરણછોડ!

શૂન્ય ભાગ્યને સફળ કરો છો પૂર્વે બિરદ, બળ, કોડ. હરિ!

અવળાનું સવળું કરો સુંદરવર! જ્યારે જન જાય હારી,

અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ! દુઃખદુષ્કૃતહારી! હરિ!

વિનતી વિના રક્ષક નિજ્જનના દોષતણા ગુણ માનો,

સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો મોટોનાનો!

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,

આર્તબંધુ, સહિષ્ણુ અભયકર| અવગુણ ઉર નવ આણો. હરિ!

સર્વેશ્વર, સર્વાત્મા, સ્વતંત્ર, દયાપ્રીતમગિરિધારી!

શરણાગતવત્સલ શ્રીજી! વ્હાલા મારે મોટી છે ઓથ તમારી. હરિ!

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995