હરિ વેણ વાય છે

hari ven vaay chhe

મૂળદાસ મૂળદાસ
હરિ વેણ વાય છે
મૂળદાસ

હરિ વેણ વાય છે રે હો વનમાં, તેણે વ્રેહ વાધ્યો મારા તનમાં.

ચટપટી ચિતમાં રે હો લાગી, જીવન જોવાને હું જાગી.

રસિયાજીને રે હો રાગે, વ્યાકુળ કીધાં છે વૈરાગે.

ગત મન ભૂલી રે હો ગૃહની, વનમાં વાંસલી વાગા વ્રેહની.

સેંથે કાજળ રે હો સાર્યાં, વ્રહેમાં બાળકને વીસાર્યાં.

ધીરજ ધરિયે રે હો ધ્યાને, કંકણ નેપુર પેર્યાં કાને.

પ્રીતે પરવશ રે હો કીધાં, લજ્જા લોપી મન હરી લીધાં.

કૈ કૈ વાર્યાં રે હો કંથે, પિયુજીને મળવા ચાલ્યાં પંથે.

ત્રિભુવન નિરખ્યા રે હો તમને, અંગે આનંદ વાધ્યો અમને.

વાલમ બોલ્યા રે હો વનમાં, મૂળદાસ માહ સુખ પામ્યા મનમાં.

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998