જે કોઈ પ્રેમઅંશ અવતરે

je koi premansh avatare

દયારામ દયારામ
જે કોઈ પ્રેમઅંશ અવતરે
દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. ટેક

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ-સુતને જરે;

કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. પ્રેમરસ...

સક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ હરે;

ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે. પ્રેમરસ...

સોમવેલીરસ-પાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;

વગરવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. પ્રેમરસ...

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે;

મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. પ્રેમરસ...

એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ફરે;

દયા પ્રીતમ શ્રીગોવરધનધર પ્રેમ-ભક્તિએ વરે. પ્રેમરસ...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941