જીવ કાયાને કહે છે

jiiv kaayaane kahe chhe

નારણસિંગ નારણસિંગ
જીવ કાયાને કહે છે
નારણસિંગ

જીવ કાયાને કહે છે રે, હું પંખી છું પરદેશી,

અમે ક્યાં સુધી રહિયે રે? નથી અહીંના રહેવાસી... જીવ૦

તારા મોહના ફંદમાં રે, પડી અમને ફાંસી !

તારી વાસનાને લીધે રે, ફર્યો લક્ષ ચોરાસી... જીવ૦

ગુરુએ સમજ પાડી રે, જોયું સર્વ તપાસી !

નીરખ્યો બ્રહ્મસ્વરૂપે રે, પોતાનું રૂપ પ્રકાશી... જીવ૦

મારો કેડો મેલો રે, શાને કરો ઉદાસી?

તમને તીરથ કરાવ્યાં રે, શ્રી ગંગા ને કાશી... જીવ૦

થયા રૂપ અરૂપી રે, માયા ત્યારે દૂર ખસી,

મળ્યા તેજમાં તેજ રે, હરિ જેને ગયા વસી !... જીવ૦

દાસ 'નારણસિંગ' કહે છે રે, અચલ થયા અવિનાશી,

ગુરુ ગોવિંદ ભજશે રે, અમરાપુરના વાસી... જીવ૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 190)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ