ક્યાં ગયો મોરલીવાળો

Kya Gayo Moralivalo

મીરાંબાઈ મીરાંબાઈ
ક્યાં ગયો મોરલીવાળો
મીરાંબાઈ

ક્યાં ગયો મોરલીવાળો અમારા ઘૂંઘટ ખોલી રે?

ક્યાં ગયો વાંસળીવાળો, અમને રંગમાં રોળી રે. ક્યાં...

હમણાં વેણી ગૂંથી હૂતી, પે'રી કસુંબલ ચોળી રે;

માત જસોદા સાખ પૂરે છે, કેસર છાંટ્યાં ઘોળી રે. ક્યાં...

જળ જમુનાનાં ભરવા ગયાં'તાં, બેડું નાખ્યું ઢોળી રે;

પાતળિયો પરપંચે ભરિયો, અમે તે અબળા ભોળી રે. ક્યાં...

પ્રેમ તણી પ્રેમદાને અંતર, ગેબની મારી ગોળી રે;

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત ચોડી રે. ક્યાં...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011