મારી પ્રેમ સુહાગણ બેની રે

maarii prem suhaagan benii re

ભવાનીદાસ ભવાનીદાસ
મારી પ્રેમ સુહાગણ બેની રે
ભવાનીદાસ

મારી પ્રેમ સુહાગણ બેની રે, કાંતો ઝીણાં ઝીણાં સૂત રે

મારા સુખની સુંદર બેની રે, કાંતો ઝીણાં ઝીણાં સૂત રે

કાયા કાષ્ટનો રેંટિયો ને, બાવન ચંદનની લાઠ

અણઘડ ગિરધર વરે ઘડિયો, બાઈ બત્રીસુ કાંત

મારી પ્રેમ સુહાગણ બેની રે.

સવા લાખનો ચરખો આણ્યો ને, રૂ આપ્યું રે વસેક

નવ માસે નવ આંટી કાંતી, અખંડ ત્રાગટો એક

મારી પ્રેમ સુહાગણ બેની રે.

ઢિંગલીએ ધરણીધર ઢાળ્યા, માળે મેલ્યું મન

વહેલાં વહેલાં કાંતો વહુવારુ, ધણી માગશે ધન

મારી પ્રેમ સુહાગણ બેની રે.

માંકડીએ મોહનવર માંડ્યા, પાટે પરબ્રહ્મ સાંઈ

ચમરખે ચતુરભૂજ ઢાળ્યા, મારું ચિત્ત છે ચાંદલા માંઈ

મારી પ્રેમ સુહાગણ બેની રે.

હરિ તાંતણા જેણે કાંત્યા, અમર પુરુષની આશ

દીપક લઇ મંદિરમાં મૂક્યો, હુઓ દિવસ ગઇ રાત

મારી પ્રેમ સુહાગણ બેની રે.

સુતર બેની મોંઘા મૂલાં, કોકથી લીધાં જાય

જે સમજ્યા એણે સહી કરી લીધાં, અમર ઓઢણી થાય

મારી પ્રેમ સુહાગણની રે.

જોધલ જનકના નાદ બુંદનાં, હોજો જાગ જુગ માંઈ

ગુરુ પ્રતાપે ભણે ભવાનીદાસ, હવે સુતર કાંતો બાઈ

મારી પ્રેમ સુહાગણ બેની રે.

સ્રોત

  • પુસ્તક : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : દલપત શ્રીમાળી
  • પ્રકાશક : માહિતીખાતું, ગાંધીનગર
  • વર્ષ : 1970