નહિ દઈએ રે નહિ દઈએ

nahi daiiae re nahi daiiae

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નહિ દઈએ રે નહિ દઈએ
નરસિંહ મહેતા

નહિ દઈએ રે નહિ દઈએ,

મહીડાંનું દાણ અમે નહિ દઈએ. (ટેક)

કહાન! તુને ધુતારડો જાણ્યો આગે રે;

કહાન! તારે લોચનિયે લે લાગે રે,

તું તો અધર-અમૃતરસ માગે રે. નહિ૦

કહાન! મારી મહીની મટુકી શેં ફોડી રે?

કહાન! મારી બાંહોડલી કાં મોડી રે?

મારી કાંચલડીની કસ કાં ત્રોડી રે? નહિ૦

કહાન! હું તો કંસ તણી મહિયારી રે,

મારો પાલવ મેલો, મોરારી રે!

તારાં ચરણકમળ ૫ર જાઉં વારી રે. નહિ૦

હું તો એકલડી રહી વન રોઈ રે,

કહાન! મારે સાથ બીજો કોઈ રે,

હું તો નરસૈંયાના સ્વામીને મોહી રે. નહિ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994