પ્રાતઃ સમે સુર ઉગ્યા પહેલાં

pratah same sur ugya pahela

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
પ્રાતઃ સમે સુર ઉગ્યા પહેલાં
નરસિંહ મહેતા

પ્રાતઃ સમે સુર ઉગ્યા પહેલાં, જોરે રસના મુખ રામ કહે;

હાંરે હાંરે કૃષ્ણને તું ભજ નામે, જગમાં તારૂં તામ રહે. પ્રાતઃ

રામ નામનો મહિમા મ્હોટો, શિવ સનકાદિક ધ્યાન ધરે;

મેરુ થકી મ્હોટું હોય પ્રાયશ્ચિત, નારાયણના નામે તરે. પ્રાતઃ

કેસરી ઘૂરે જ્યમ મૃગજ ત્રાસે, રવિ ઉગે જ્યમ તિમિર ટળે;

પૂરણ બ્રહ્મ અકળ અવિનાશી, કુબુદ્ધિના તાપ તરત હરે. પ્રાતઃ

કોટિ કલ્યાણ ફળ ઉદય ભાણે, પાપ બાપડું ક્યાંરે રહે;

અધમ નીર ગંગામાં ભલ્યું ત્યારે, ગંગા સરખું થઇને વહે. પ્રાતઃ

રસને શુકદેવજી જાણે, કોઇક વિરલા સંત લહે;

ભણે નરસૈંયો તમે પ્રભુ ભજી લો, આવાગમનનો ફેરો ટળે. પ્રાતઃ

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928