સત બોલો

sat bolo

ભવાનીદાસ ભવાનીદાસ
સત બોલો
ભવાનીદાસ

તમને ગોરાં પીરાંની આણ,

સુડલા, સત બોલો! સત બોલો! સત બોલો!

સત બોલો રે નંઈ તો

મત બોલો રે મત બોલો!... સુડલા૦

અંબર વરસે ને અગાધ ગાજે,

દાદુર કરે રે કિલોળ,

કંઠ વિનાની એક કોયલ બોલે,

મધુરા બોલે ઝીણા મોર...

સુડલા, સત બોલો! સત બોલો!

ગુરુજીની રે’ણી ને સત પર વાસા,

સતના ઊગ્યા સૂર,

પડ્યું એક બૂંદ મારા ગુરુજીના વચને,

એનું સવા કરોડનું મૂલ...

સુડલા, સત બોલો! સત બોલો!

વણ રે વાદળ વરસાળો કહાવે,

ઘટડામાં પ્રગટ્યા ભાણ,

કણસડ પાક્યાં એમાં બૌ ફળ લાગ્યાં,

એને વેડે કોઈ ચતુર સુજાણ...

સુડલા, સત બોલો! સત બોલો!

બાવન અખર જો કોઈ બૂઝે,

જે કોઈ ધરે એમાં ધ્યાન,

જોધા પ્રતાપે ભણે 'ભવાનીદાસ',

એનું એક અખરમાં નામ...

સુડલા, સત બોલો! સત બોલો!

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 202)
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991