સુંદર વરની ચૂંદડી

sundar varnii chuunddii

મૂળદાસ મૂળદાસ
સુંદર વરની ચૂંદડી
મૂળદાસ

સુંદર વરની ચૂંદડી

માંઈ છે આતમરામનો આંક

વોરો સંતો ચૂંદડી!

તપતીરથ મેં બહુ કર્યાં વ્રત કર્યાં રે અપાર,

ભગવત ભવાની બહુ ભજ્યાં, મારે હરિવર વરવાની આશ.

-વોરો રામા ચૂંદડી.

બ્રહ્માએ વણ વાવિયાં ને વીણે ચારે વેદ.

સનકાદિકે સૂતર કાંતિયાં, તેને કોઈ જાણે ભેદ. –વોરો રે૦

ત્રિગુણ તાણ્યો તાંતણો ને, માંઈ પ્રેમનો રસ પાણ,

નૂરત સૂરત નળી ચાલતી રે, વણનારા ચતુર સુજાણ. –વોરો રે૦

વિદુર વ્યાસે રંગી ચૂંદડી ને શુકદેવે પાડી ભાત,

સદ્બુદ્ધિએ બુટા જડ્યા ને એની જૂજવી જૂજવી ભાત. –વોરો રે૦

ગુરુએ ઓઢાડી મને ઘાટડી રે, ઉપર શ્રીફળ સુંદર ચાર;

નિર્ગુણ સાથે સગાઈ કરી મારા પુણ્યનો નહિ પાર. –વોરો રે૦

વિવેકના તો વીવા રચ્યા ને લીધાં વૈરાગ્યનાં રે લગન,

પ્રભુજી વર પધારિયા રે મારું મોહે ભરણું છે મન. –વોરો રે૦

મન ક્રમ વચને આબરૂ ને મેં મેલી લોકડિયાંની લાજ,

હથેવાળો હરિ સુંગ્રહ્યો ને માંઈ છે વાણી તણી વરમાળ. –વોરો રે૦

રાતો રંગ રહેણી તણો રે એનો પુરણ લાગ્યો પાસ,

અનંત જુગે નહિ ઊમટે રે વાણી ગાય છે મૂળદાસ;

વોરો રે રામા! ચૂંદડી.

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998