ઊલટ સમાવ્યા સૂલટમાં

uulat samaavyaa suulatmaan

પાનબાઈ પાનબાઈ
ઊલટ સમાવ્યા સૂલટમાં
પાનબાઈ

ઊલટ સમાવ્યા સૂલટમાં ને,

સુરતા ગઈ શૂનમાંય રે,

ભાળી સ્વામીની ભોમકા ને,

હરિ જોયા અખંડ મીટમાંય રે... ઊલટ૦

ભાઈ રે! આવરણ ઉપાધિ મટી ગઈ ને,

હવે થયો છે આનંદ રે,

બ્રહ્મ ભાળ્યા એકતારમાં ને,

ત્યારે તૂટ્યો પ્રપંચનો ફંદ રે... ઊલટ૦

ભાઈ રે! અવિનાશી મેં અખંડ જોયા ને,

જ્યાં નામ રૂપનો નાશ રે,

સચ્ચિદાનંદ પૂરણ સદા સ્વામી ને,

તેને જોઈને થયો ઉલ્લાસ રે... ઊલટ૦

ભાઈ રે! અવાચપદ અખંડ અનામી ને,

જોઈને પ્રગટ્યો છે વિશ્વાસ રે,

‘ગંગાસતી’ પ્રતાપે પાનબાઈ બોલ્યાં ને,

કીધો મૂળ અવિદ્યાનો નાશ રે... ઊલટ૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : લક્ષ્મણ પિંગળશીભાઈ ગઢવી
  • પ્રકાશક : શ્રી મેરુભા ગઢવી સ્મૃતિ પ્રકાશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ