સુહાગ દવે
Suhag dave
માર્ગેશને (લોકો ય ખરાં ખરાં નામ રાખતાં હોય છે !) કાગળ લખું ? એનો પત્ર વાંચ્યા પછી સતત એમ લાગ્યા કરે છે કે એ છોકરીએ એને મૂર્ખ બનાવ્યો છે: કાં તો એની કસોટી કરી હોય, કાં એનાથી છૂટવા માગતી હોય. જો કે માર્ગેશે લખી છે એટલી જ વિગતો પરથી તારણો કાઢવાનાં હોય તો એમાં અન્તર ન જ જળવાય એ સ્વાભાવિક છે, વળી પેલી છોકરી સાચે જ શું વિચારતી હોય એ તે આપણને કેમ ખબર પડે ? પણ માર્ગેશના પત્રની વિગતો પરથી જ પરિસ્થિતિનો ક્યાસ કાઢવાનો હોય તો એ વિગતો પરથી જે તારણો નીકળી શકે એ અનુસાર તો એવું જ લાગે છે કે એ છોકરીએ ખરેખર એને મૂર્ખ બનાવ્યો છે. માર્ગેશ, કાલે છાપામાં તારો પત્ર વાંચીને લાગ્યું કે એ છોકરી(એક સેકન્ડ, હં, પંક્તિ)એ તને બનાવ્યો છે. તે જે વિગતો આપી છે એમાં અમુક તેં ગાળી નાખીને આપી છે એ સ્પષ્ટ છે; પરન્તુ તે આપેલી વિગતો પરથી હું આ જ તારણ પર પહોંચ્યો છું. એ છોકરીએ સાચે જ તને બનાવ્યો છે. જો કે હું માનું છું કે કોઈનું આપણી તરફનું વર્તન એકદમ બદલાઈ જાય તો એ પાછળ આપણા પોતાના એ વ્યક્તિ તરફના વર્તનમાં આવેલું કોઈ પરિવર્તન કારણભૂત નથી એ પહેલાં તપાસી લેવું જોઈએ : દુનિયા આખી જોઈ શકતી આંખ પોતાને જ જોઈ શકતી નથી એવા અર્થની એક તમિળ કહેવત છે. તેં લખ્યું છે કે તમે બેઉ ‘કોરૉ’ હતાં એટલે તમારી દોસ્તી જામી ગઈ. ‘કોરા’ હોવાનો અર્થ હું એ લઉં છું કે ‘કોરી’ વ્યક્તિ કોઈની સાથે વિશિષ્ટ સમ્બન્ધે જોડાયેલી ન હોય, અને જો આ અર્થમાં તમે બેઉ કોરાં હતાં એમ તેં લખ્યું હોય તો મને લાગે છે કે પંક્તિએ બેમાંથી ગમે તે એક કારણથી તને બનાવ્યો છે : કાં તો એણે તારી કસોટી કરી હોય (એમ જ હોય તો તું નાપાસ થયો !), અથવા તો એ ગમે તે કારણે તારાથી છૂટવા માગતી હોય. જો એ કોરી હોય, અને એના જીવનનો તું પ્રથમ પુરુષ હોય તો મને નવાઈ એ વાતની લાગે છે કે વરસ જેટલું તમે સાથે રહ્યાં છતાં તને એના પર એટલો અવિશ્વાસ કાયમ રહ્યો (તું સાચે જ ‘કોરો’ છે ને ?) કે તમારી દોસ્તી તૂટવા પાછળ તેં આપેલું કારણ પંક્તિએ સામે ચાલીને તને આપ્યું અને જરાય વિચાર કર્યા વગર તેં એનો વિશ્વાસ કરી લીધો. ભલા માણસ, કોઈ છોકરી એના જીવનમાં પ્રથમ પુરુષને આવી વાત ગંભીરતાપૂર્વક કરે એ તેં કેમ માની લીધું, અને એ પણ જો એને સંબંધ જાળવી રાખવામાં સાચે જ રસ હોય તો ? બને કે જમાનો બદલાયો છે. પણ છોકરી (અથવા છોકરો પણ - તું તારી જાતને એની સ્થિતિમાં મૂકી જો, તને ખ્યાલ આવશે કે જો તને સાચે જે એની સાથે સંબંધ ટકાવી રાખવામાં રસ હોય તો તું ક્યારેય સામે ચાલીને તારા સ્ખલનની વાત એને ન કરે) એને જે પુરુષમાં સાચે જ રસ હોય એની આગળ આવી વાત કરે એ માનવા હું તૈયાર નથી. મેં આપેલા પહેલા કારણ પાછળ મારો તર્ક આ છે. તું પણ સાવ કોરો હતો એમ માનીને હું ચાલું છું એટલે મને લાગે છે કે સ્ત્રીઓની માનસિકતાનો તને પૂરો પરિચય નથી અને એટલે તું ઉપરથી જે દેખાય એને જ અંદરનું વાસ્તવ માની લેતો લાગે છે. કહેવાય છે કે અનુભવ મોટામાં મોટો શિક્ષક છે : હું માનું છું કે અનુભવ શિક્ષક નથી, શિક્ષણ છે, જે સ્ત્રીઓ આપે છે. પહેલો શિક્ષક માતા છે એમ કહેવાય છે એ તો તું જાણતો હોઈશ. બિલાડી અને ખીર તથા સ્ત્રી અને વાત વચ્ચેનો સંબંધ વાત “બીજાની” હોય એ પૂરતો જ છે, અને ત્યાં ય અપવાદો નથી હોતા એવું નથી. ભલે, મેં આપેલા બીજા કારણ પાછળ તર્ક આવો છે : તમારો સંબંધ તૂટ્યા પહેલાં (તેં લખ્યું છે કે તે એ સંબંધ સામે ચાલીને તોડ્યો છે) છેલ્લે છેલ્લે એવી કશી વાત થઈ હોવી જોઈએ કે જેને કારણે પંક્તિને તારી સાથે જાળવી રાખવા જેવું ન લાગ્યું હોય પણ એ સંબંધ તોડવાનો આરોપ માથે લેવા ન માગતી હોય. એવી કશી વાત બેમાંથી એક હોવી જોઈએ : કાં તો તે તમારી દોસ્તીને વધુ ‘ગાઢ’ બનાવવાનો સામાન્ય રીતે, પહેલી વાર ગંભીર રીતે પ્રેમમાં પડેલો (હું માની લઉં છું કે પંક્તિ એક ટિપિકલ છોકરી છે જેને સામાજિક મૂલ્યોમાં સંસ્થાપિત શ્રદ્ધા છે : એમ ન હોય તો પછી તારે આઘાત પામવાને કોઈ જ કારણ નથી.) છોકરી જેની અપેક્ષા કમસેકમ એના પ્રથમ પુરુષ પાસેથી લગ્ન પૂર્વે (જો એની શક્યતાઓ ઊજળી હોય તો ખાસ.) ન રાખે એવો- પ્રસ્તાવ મૂક્યો હોવો જોઈએ, અથવા એણે એવો પ્રસ્તાવ મૂક્યો હોય અને તે એ નકાર્યો હોય. (જો તું સાચે જ ‘કોરો’ હોય, અને ગંભીર રીતે (હું માની લઉં છું કે તું પણ એક ટિપિકલ છોકરો છે) એના પ્રેમમાં પડી ચૂક્યો હોય તો આમ બનવું તદ્દન સ્વાભાવિક છે.) બીજી પરિસ્થિતિમાં એ કોરી હતી એ વાત ટકતી નથી, એટલે કે તું એના જીવનનો પ્રથમ પુરુષ નહોતો. જો આ બીજી વાત સાચી હોય તો એક વાત એ માનવા કારણ મળે છે કે પંક્તિએ તારી દોસ્તી કરી.
તારી આ ટેવ મને જરાય ગમતી નથી. જ્યારે પણ હું કાંઈ વિચારતો હોઉં, જ્યારે મારી વિચારધારા કશો આકાર ઊભો કરવા મથતી હોય ત્યારે, કયા ખૂણામાંથી ખબર નહિ કઈ રીતે તું મારા ભેજામાં ઘૂસી જાય છે. શા માટે તું મને આમ હેરાન કરે છે ? જાતે તો આવવું નહિ ને આમ આઘેથી મને બોલાવ્યા કરવો. (જો, તું યાદ આવી ને હું કવિતા કરવા માંડ્યો : તું મને બસ આમ સતત યાદ ન આવ્યા કર. જોજનો દૂર ઊભી ધીમા સાદ ન પાડ્યા કર.) શું હું ક્યારેય તારા ભેજામાં આમ ઘૂસી જાઉં છું ? તને સાચે જ હું ક્યારેય યાદ આવતો નથી ? પોણા બે થયા છે ને તું હવે મારી રાત ખરાબ કરવાની. તું તો કમબખ્ત ઘોરતી હોઈશ, કદાચ તેં શોધી કાઢેલા બૉયફ્રેન્ડનું.
સાચે જ તારે કોઈ બૉયફ્રેન્ડ છે ? તારા ગામનો એક છોકરો તને બહુ ગમતો, પણ તારા ઘરે એની આવ-જાવ છતાં એની સાથે વાત કરવાની તારી હિંમત ચાલતી નહિ એવી વાત મેં તને કરી હતી. એ સિવાય તારા અંગ્રેજીના શિક્ષક પણ તને બહુ ગમતા અને એમનો એકેય પિરિયડ તું મિસ નહોતી કરતી એ પણ તેં મને કહ્યું હતું. મને નવાઈ એ વાતની લાગી હતી કે મારી આગળ બોલતાં ન થાકનારી તું એ છોકરા સાથે તું વાત કેમ નહોતી કરી શકતી. તારો જવાબ મને યાદ છે. ‘અભિ, જેને હું લવ કરતી હોઉં એની આગળ બોલી જ ના શકું. એની સામે જોવાની જ હિંમત ન થતી હોય ત્યાં વાતની તો વાત જ ક્યાં ?’ તારો જવાબ સાંભળીને હું હસી પડેલો. એ વખતે મેં તને તે પૂછ્યું હતું છતાં નહોતું કહ્યું. ને આજેય એટલા માટે જ હું છું કે મને ટેલિપથી નથી આવડતી (નહિતર તું ક્યારની ય મને મળવા આવી ગઈ હોત (કે ન આવી હોત ?).) એટલે તને હજી ય ખબર નહિ જ પડે. મને ત્યારે થોડા વખતથી એમ લાગતું હતું કે તું મારા પ્રેમમાં પડી ચૂકી છે.
એમ લાગવાનું કારણે ય ભેગાભેગું કહી દઉં. આપણે એ વાત થઈ એના થોડા વખત પહેલાં એક વાર હજામત કરતાં મને પતરી વાગી અને લોહી નીકળ્યું એ જોઈને તું બોલી હતી, ‘અભિ, તારું લોહી તો ખાસું લાલ છે ને ! રોજ કસરત કરે છે એટલે એવું છે કે ?’ એટલે મેં તને તું ય હજામત કરતી હોત તો કેવું સારું ! એમ કહ્યું હતું. નવાઈ પામીને તે એનું કારણ પૂછેલું, ને મેં આપ્યું હતું : મને ય જોવા મળત ને કે તારું લોહી કેવું છે ? મને નહોતી ખબર કે તું મારી વાત સિરિયસલી લઈશ. પાછળ હાથ નાખીને તારા કુરતાના ઢીલા હૂકની જગ્યાએ.
એ ઢીલા હૂકવાળો તારો કૂરતો યાદ છે ? (એની જમણી બાંય પર, કાંડાથી થોડે ઉપર અંદરની બાજુએ ચાનો ડાઘ હતો) આપણે કમ્પાઉન્ડના દરવાજા નજીક, ટાઈલ્સ પર બેઠાં હતા. (હું ક્યારીઓની પાળી ઉપર, તારી પાછળ બેઠો હતો) ત્યારે સૃષ્ટિએ તારો હૂક ખૂલી ગયો છે એ તરફ તારું ધ્યાન દોર્યું હતું અને તરત જ તે પાછળ હાથ નાખીને હૂક બંધ કરી દીધો હતો. થોડી વાર પછી ગૅસ પર મૂકેલું દૂધ યાદ આવતાં તું ઊભી થઈ ને એ ફરીથી ખૂલી ગયો : તારું ધ્યાન નહોતું એટલે તું પાછી આવી ત્યારે મેં બંધ કર્યો હતો. એ દિવસ પછી (તને તો ખબર હશે જ) કેટલાય એકાંતરા દિવસો સુધી મેં તારો એ કુરતો પહેર્યે રાખીને જુદી જુદી રીતે - મારી સાથે વાત કરતાં કરતાં પાછળ શું છે એ જોવાને બહાને મારી તરફ પીઠ ફેરવીને પછી તારા વાળ આગળ લઈ જઈને, મને બોલાવવા આવ્યા પછી મારી આગળ આગળ ચાલીને, અરીસા આગળ ઊભા રહી તું મારા કરતાં કેટલી નીચી છે એ માપવાના બહાને, તારા નવા સ્કૂટર પાછળ મને બેસાડીને શીખવાના બહાને, ચોકડીમાં કપડાં ધોતાં ધોતાં મારી પાસે હોજમાંથી પાણીની ડોલ મગાવીને, તું પશ્ચિમોત્તાનાસન સરળતાથી કરી શકે છે એમ બતાવીને...... મારું ધ્યાન તારા ખુલ્લા, ખૂલી ગયેલા, ખુલ્લા જ રાખેલા હૂક તરફ દોરાય (અને હું એ બંધ કરી આપું એવી અપેક્ષા રાખીને) એવા પ્રયત્નો કર્યા હતા. (તને કદાચ ખબર નહિ હોય પણ દરેક વખતે જાણીને અજાણ્યો બનતો - એય, ગાળો ન બોલીશ.) એ પછી તે સેફ્ટિ પિન લગાવવાનું શરૂ કર્યું હતું.
તારા એ કુરતાના ઢીલા હૂકની જગ્યાએ લગાવેલી સેફ્ટિ પિન ખોલીને ચીકુ તોડવાના બહાને અવળા ફરી તારી આંગળીનાં ઘોંચી જઈને તે લોહી કાઢ્યું હતું. મને બતાવવાઃ જો અભિ, ચીકુ તોડવા જતાં મને બોગનનો કાંટો વાગ્યો ને તારી ઇચ્છા પૂરી થઈ ગઈ. (તને તો એમ જ હતું, હશે કે મને તારા એ નાટકની ખબર નહોતી પડીઃ તેં હાથ પાછળ નાખ્યો અને તરત જ તને લોહી નીકળ્યું એ જોઈને જ મને ખબર પડી ગઈ હતી) તારા કયા કુરતાનો હૂક ઢીલો છે એની મને ખબર હતી.) જો કે તેં હજી મારી એક ઇચ્છા - મેં તને બીજી બે ઇચ્છાઓ જણાવી હતી. મારે તને ગરબે રમતાં જોવી'તી, ને રડતી જોવી'તીઃ તારી દોસ્તીનો લાભ ઉઠાવીને તારા ક્લાસમેટે તને ગંદી પ્રપોઝલ કરી હતી એ વાત કરતાં તું મારી આગળ રડી પડી હતી-પૂરી કરી નથી. ‘તારી રૂમમાં આવીને ગરબાની સીડી પર રમું તે જોઈ લેજે’ એમ તે કહ્યું હતું અને ‘નવરાત્રીમાં કાયદેસર રમ એવી મજા ન આવે’ એમ મેં કહ્યું હતું છતાં એ પણ તેં કરી બતાવ્યું નથી. આ ઇચ્છા પણ એક મજાક જ હતી છતાં.
તારી એ હરકતે મને એમ વિચારવા પ્રેર્યો હતો (કે તું મારા પ્રેમમાં પડી ચૂકી છે), - સંકેતો આમે ય મારા ભેજામાં ઘૂસી શકતા નથી - પણ મને ખાતરી નહોતી. તારા એ જવાબે મને ત્યારે એ સ્પષ્ટ કરી આપ્યું કે તું મારા પ્રેમમાં નહોતી.
સપનું જોતી હોઈશ, ન યે જોતી હો, પણ (મારી જેમ) જાગતી તો નહિ જ હો (કે પરીક્ષાનું વાંચે છે ?). તારું એસ. વાય.નું શું રિઝલ્ટ આવ્યું ? હાયર સેકન્ડ ક્લાસ કે ઉપર વગર ડિગ્રીનો કશો અર્થ નથી એ તો તું જાણે છે ને ? મારું તો તોફાનોને લીધે એક વરસ બગડ્યું છે પણ તારું એફ.વાય.નું અઠ્ઠાવન ટકાનું રિઝલ્ટ, ઊંચું ન આવે તો કાંઈ નહિ, પણ જાળવી રાખજે નહિતર આવી બન્યું જાણજે. મારી પાસે શીખવા આવતી’તી એટલે જો લોચો માર્યો ને, તો બહુ મારીશ. (એવો મારો અધિકાર તેં સ્વીકારી નહોતો લીધો ? યાદ છે તારું ફર્સ્ટ ઇન્ટર્નલનું રિઝલ્ટ નબળું આવ્યું ને તારા ઘરમાં તારો વારો નીકળ્યો હતો એ વખતે (કંટાળીને) તેં તારાં ભાભીની પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી વધેલી બધી ગોળીઓ સામટી ગળી જઈ મરવાનો પ્રયાસ કર્યો હતો અને ચાર દિવસે ખાટલો છોડ્યો હતો ? તારું એ પરાક્રમ મને કહ્યાં પછી મેં તારા ગાલ પર જોરથી એક ટપલી એમ કરવા માટે મારી હતી અને કશો વિરોધ કર્યા વગર તેં એ ચલાવી લીધું હતું. કોઈએ તારા પર હક કર્યો એ તને ગમ્યું હતું : એ પરિસ્થિતિમાં કદાચ વધારે ગમ્યું હતું, ખરું ?) આ વખતે તો તમારે શૉનું પિગ્મેલિયન પણ કોર્સમાં છે ને ? એ ભાઈ બોલાય એવું લખવામાં માનતા એટલે જો સંવાદોમાં ડિક્શનરી બહારના સ્પેલિંગ જોવા મળે તો એ સંવાદો મોટેથી બોલી જોજે એટલે મૂળ શબ્દો પકડાશે, નહિતર મને પૂછજે. લે ! હું ય કેવો બુધ્ધ છું ! હવે તો તમારી પરીક્ષાઓ શરૂ થવામાં હશે એટલે એ કેમ શક્ય બને (કે પછી મેં ના પાડી હોવા છતાં મૂળ ટેક્સ્ટને બદલે ગાઇડ લઈ આવી છે) ? મને આમે ય તું મારે ત્યાં તો ભાગ્યે જ આવે છે ને ! તને એવું નથી થતું કે ચાલ અભિને મળું ? એય, એવું ન પૂછીશ કે મને ય એવું નથી થતું ? તને ય એવું ન થતું હોય તો મને એવું થાય એનો કશો અર્થ નથી. વળી મારે તો તને ત્યાં મળવા આવવા માટે કોઈ બહાનું બનાવવું પડે. પચાસ કિલોમીટર દૂર રહેતી કોઈ છોકરીને એની હૉસ્ટલમાં કે કૉલેજમાં શા માટે એની સાથે ન ભણતા છોકરાએ મળવા આવવું પડે ? મારી સાથે એક વરસ રહ્યા પછી તને એ ખબર હશે કે જૂઠું બોલવામાં હું ઘણો કાચો પડું છું, અધૂરામાં પૂરું મારી છાપ ઘરકૂકડીની. વળી તું અહીં આવી હોય છતાં મારે ત્યાં ન આવે એનો અર્થ એ થાય કે તું મને મળવા માગતી નથી. તો હું તને શા માટે આપણી મુલાકાતની ફરજ પાડું ? તને એવું નથી લાગતું કે તું અહીંથી ગયા પછી ઘણી બદલાઈ ગઈ છે ? અહીં રહેતી ત્યારે તો અભિ, મને આ નથી આવડતું. અભિ, મને આમાં સમજ નથી પડતી. અભિ, તારી પાસે આની સીડી છે ? અભિ, પેલી સીડી વગાડને ! અભિ, મારે આજે સ્ટેશન જવામાં મોડું થઈ ગયું. હું ટ્રેન ચૂકી જઈશ. અભિ, અંતકડી રમીએ ? અભિ, મેં કાલે આ મૂવી જોયું, એની સ્ટોરી કહું ? અભિ, નવી કઈ ચોપડીઓ લાગ્યો છે ? અભિ, ગરમી બહુ લાગે છે, ચાલ ને હીંચકે બેસીએ. અભિ, વરસાદ ખેતરોમાં જ પડતો હોય તો કેવું સારું ! અભિ, આજે તેં સાઠ પુશપ્સ નથી પૂરાં કર્યાં. અભિ, તેં આજે ક્યું ડિઓ લગાડ્યું છે ? મને ત્યાં છેક રસોડામાં સુગંધ આવી. અભિ, આજે તારા ઘરે કોઈ નથી ને ? ચા પીવી છે ? અભિ, બગીચામાં કેટલાં પાન પડ્યાં છે ! સાફ નથી કરવાં ? કેટલો સરસ ફરવા જવાનું મન થાય એવો - પવન આવે છે ! આવે છે, અભિ ! મને મળવાના, મારી સાથે વાત કરવાનાં કેટકેટલાં બહાનાં તું ખોળી કાઢતી ? હવે તો કો'ક વાર સૃષ્ટિને મળવા આવે છે તો ય ઉપર કેમ છે અભિ ? કહેવા ય નથી આવતી. તારા ગયા પછી રાતે જમતી વખતે વાત નીકળે તો મને ખબર પડે છે કે તું આવી'તી. અહીં રહેતી ત્યારે એક વાર (એ વખતે અમારે ત્યાં કોઈ પ્રસંગ હતો એટલે બધાં સગાંવહાલાં ભેગાં થયાં હતાં એ તું જાણે છે. નીચે હું ભાભી સાથે હીંચકે બેસીને એમની ઉડાવતો હતો. એમનો રેડિયો સુલોકે ગુસ્સે ભરાઈને દીવાલ સાથે પછાડ્યો હતો. ભાભીને તેં કદાચ એ દિવસે) પહેલી વાર જોયાં હતાં, સુલોકને તો તું ઓળખે જ છે.) તું ઉપર આવી'તી એની મને અનાયાસ ખબર ન પડી હોત તો કેવો લોચો વાગત એ ખબર છે ? (તે એવું શા માટે કર્યું હતું એ મારા તારા મોઢે સાંભળવું છે.) તારું અંગ્રેજી નબળું છે એ તો મને ખબર હતી (તારી જોડે શીખવા આવતી તે ખબર હોય, એમાં શી મોટી ધાડ મારી ! ના જોયો હોય તો મોટા, શેર્લોક હોમ્સ ! એમ ન કહેતી.) પણ અંગ્રેજી અક્ષરો માત્ર તારા માટે ભેંસ બરાબર છે એ હું નહોતો જાણતો. (એય રૂઢિપ્રયોગ છે, લિટરલી ન લેતી !) એ દિવસે મારા ભાઈએ કશી ઉતાવળને કારણે એણે એ જ દિવસે લાઇબ્રેરીમાંથી ઇસ્યૂ કરાવેલી ચોપડી દરવાજા પાસે પડી રહેતા ટેબલ પર પડી રહેતી મારી ચોપડીઓ ઉપર મૂકી દીધી હતી. (અમારા બેઉના વિષયો સાવ જુદા છે એ તું નહોતી જાણતી ? તને તો એમ જ કે જ્યાં મારી ચોપડીઓ પડી રહેતી હોય એ જગ્યાએ બીજાની ચોપડી હોય જ નહિ એટલે ત્યાં પડેલી ચોપડી મારી જ હોય, અને મૂકી દીધાં અંદર જોઈ, ગોકર્ણ અને મધુમાલતીનાં ફૂલો (તને કદાચ પચાસ વાર કહ્યું હશે કે એ જોઈ છે, જૂઈ નથી) ! ઓ મૂરખ, એ ચોપડી મારા ભાઈની હતી ! જો એ મને અજાણી ચોપડી મેં થોડી વાર પછી ભાભીનો રેડિયો વાગે છે કે કેમ એ જોવા માટે હું સેલ લેવા ઉપર આવ્યો ત્યારે મારી ચોપડીઓમાં પડેલી ન જોઈ હોત અને ખોલી ન હોત તો તારા એ પરાક્રમની મને કેવી રીતે ખબર પડત ? તેં તો છેક રાત્રે પાણી ભરતી વખતે મારી આગળ વધામણી ખાધી હતી. અને એ વખત મારો ભાઈ એ જ ચોપડી વાંચતો હતો. મારી ચોપડીમાં (તને તો એવું જ હતું ને ?) આમ ફૂલો મૂકવાની શી જરૂર હતી એ તે હજી મને કહ્યું નથી. મારે તારા મોઢે સાંભળવું છે. સાચું કહેજે, તું મને પ્રેમ નહોતી કરતી ?
તો માર્ગેશ, એની પાછળ એના શાળાજીવનનો કોઈ (પાડોશનો કે કોઈ શિક્ષક તરફનો) ક્રશ કારણભૂત હોવો જોઈએ જેનો અંશ એને તારામાં દેખાયો હોય, પણ ત્યાં એને જાહેર કરવાની હિંમત ન દાખવી શકી હોય ; અથવા એને સમજાઈ ગયું હોય કે એ સંબંધ બંધાય એ પહેલાં ત્યાં જ અટકી જવા સર્જાયો છે. એટલે સંભવ છે કે એ ક્રશની અસર હેઠળ જ એ છેક કૉલેજ સુધી કોરી રહી. એક ત્રીજી શક્યતા એ છે કે એને તારામાં સાચે જ રસ નહોતો પણ ઘણી વાર બન્યું છે એ એમ તને સાવ કોરો જાણીને તારા જેવા સીધા (હું માની લઉં છું કે તું ‘સીધો’ છોકરો છે !) છોકરાને પોતે (કોઈ શરત જીતવા કે અહમ્ સંતોષવા) ? લાગે છે કે જમાનો સાચે જ બદલાઈ ગયો છે !) પટાવી શકી છે એવું બતાવવા માટે જ એણે તારી સાથે સંબંધ વધાર્યો હોય. અથવા એમ પણ બને કેવળ ગમ્મત ખાતર (જેમ કિન્નરીએ કરી તેમ) તારી સાથે દોસ્તી કરી પણ તને એ વખતે ખબર ન પડી હોય અને તું ખરેખર એના પ્રેમમાં પડી ગયો હોય : પણ એ દોસ્તી આખું વરસ ટકી રહી (અને એમાં સંભવતઃ કશો વિવાદ પણ તમને બેઉને ન નડ્યો) એ જોતાં મને એ શક્યતા ઓછી લાગે છે. મને લાગે છે કે તારે વાતને એના મૂળ સુધી જઈને તપાસવી જોઈએ કારણ કે એક વરસ તમે દોસ્તી ટકાવી શક્યાં એટલે તું એને ભૂલી જાય. (તું સાવ કોરો છે એમ માનીને જ હું ચાલું છું) એ મને શક્ય લાગતું નથી. તું એના વિના બીજી કોઈ પણ છોકરીને (જેમ કિન્નરીને કર્યો તેમ) અન્યાય કરી બેસીશ. આપણો કોઈ જ પરિચય ન હોવા છતાં તને પત્ર લખવાનું મને મન થયું એની તને કદાચ નવાઈ લાગશે પણ મારો પ્રયાસ તે આપેલી વિગતો પરથી તમારા સંબંધનું વિશ્લેષણ કરી તને મદદરૂપ થવાનો છે. જો પંક્તિને તમારો સંબંધ જાળવી રાખવામાં સાચે જ રસ ન હોય અને એટલે એણે તમારો સંબંધ તારાથી તૂટે એવી ગોઠવણ કરી હોય તો એવું માનવું પડે કે એ બહુ ચાલાક છોકરી છે. અને એ સ્થિતિમાં તારો પ્રયાસ એને ભૂલવાનો હોવો જોઈએ. હું જાણું છું કે એ અઘરું. બહુ જ અઘરું કામ છે.
(‘તથાપિ’- જૂન-ઑગસ્ટ 2008)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી નવલિકાચયન: 2008 (પૃષ્ઠ ક્રમાંક 97)
- સંપાદક : અજીત ઠાકોર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2011
