એ તો એ જ જાણે

E to e j jane

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
એ તો એ જ જાણે
ચંદ્રકાન્ત શેઠ

અલીસાહેબને ઘેર ઉત્સાહ-ઉમંગનો પાર નહોતો. ઈદના દિવસોને તો હજુ ખાસ્સી વાર હતી, પરંતુ ઈદ જાણે સાવ ઢૂંકડી હોય એવો ઘરનાં સૌનો ઉલ્લાસ હતો. એક ઉત્સવનું - તહેવારનું વાતાવરણ ઘરમાં જામ્યું હતું. બાળકો અંદરોઅંદર ચર્ચા કરતાં હતાં કેવાં કપડાં પોતે પહેરશે અને મિજબાનીમાં જ્યારે જશે ત્યારે ત્યાં પોતે કેવું કેવું ખાશે! અલીસાહેબનાં ઘરવાળાં ખાતૂનબીબી તો બાળકોની આવી ખુશીથી ઊભરાતી વાતો સાંભળતાં ધરાતાં નહોતાં. એમનો વચલો દીકરો અબ્દુલ કહે : “અમ્મા! સૈયદસા’બકો સન્માન મિલનેવાલા હૈ તો અબ્બાજાન કો કબ મિલેગા? વો તો સૈયદસા'બ સે ભી બઢિયા શાયર હૈ.” ખાતૂનબીબીએ નાક પર આંગળી રાખી એને કહ્યું, “બેટા, ઐસા મત બોલો. કોઈ સુન લેગા તો અચ્છા નહીં લગેગા. વક્ત આયેગા તો ખુદા સબકા સબ અચ્છા કરેગા. જાઓ, ખેલો!'

‘ખેલતે હૈ, લેકિન, અમ્મા, દેખના! મેં કલકત્તાસે જો કમીજ અબ્બાજાન લાયે થે વો પહેનૂંગા.'

‘અચ્છા, બેટા! અચ્છા.'

ને સૌ બાળકો કલ્લોલતાં રમવામાં વળી ગયાં.

સૈયદસા'બનું આખું નામ હતું નૂરમહમ્મદ પીરમહમ્મદ સૈયદ. તેઓ એક કૉલેજમાં અધ્યાપક હતા અને ઉર્દૂ ભણાવતાં ભણાવતાં ઉર્દૂ શાયરી કરવા તરફ વળ્યા હતા. સૈયદસાહેબની સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સારી એવી વગસગ હતી. ઉર્દૂ સાહિત્યની ભાગ્યે એવી કોઈ કમિટી હોય જેમાં હોય. આમ તો સૈયદસાહેબ આપણા અલીસાહેબથી વધારે મોટા હતા, માત્ર ઉંમરમાં નહીં ઉર્દૂ શાયરીની શાનશૌકતમાં પણ. ઉર્દૂ શાયરી-રસિકોમાં એક મોટો વર્ગ એવો હતો જે અલીસાહેબને સૈયદસાહેબથીયે વધારે ચિડિયાતા શાયર માનતો હતો અને તેમનું સન્માન પહેલું થવું જોઈએ એમ કહેતો હતો; પરંતુ સૈયદસાહેબની પહોંચ એટલી મોટી ને અસરકારક હતી કે એમની ઉપેક્ષા કરીને અલીસાહેબને સન્માનવાનું જોખમ ઉર્દૂ સાહિત્ય મંડળ નહીં કરી શક્યું. મનોમન અલીસાહેબનો પ્રથમાધિકાર કબૂલીનેય મંડળે સૈયદસાહેબને સન્માનવાનો સમારંભ નક્કી કર્યો. અલીસાહેબે જ્યારે બાબત જાણી ત્યારે તેઓ જલવાની વાત તો બાજુએ રહી, ખૂબ ખુશ થયા. કેમ જાણે સન્માન ખુદને મળતું હોય! તેઓ તો ખુશીખબર મળતાં તાબડતોડ પહોંચ્યા સૈયદસાહેબની મહોલાતે. સૈયદસાહેબ બહાર ગયેલા. અલીસાહેબે ઘરનાં સૌને દિલાવરીથી વધાઈ દીધી. સૈયદસાહેબના પોતાના ગમતા બે પાંચ શેર પણ લલકાર્યાં, પછી કહે : મૈં જાતા હૂં, લેકિન મેરી ઓરસે સૈયદસાહેબકો બહોત બહોત મુબારકબાદી દેના.' અલીસાહેબ પાછા ફરતા હતા ત્યારે સૈયદસાહેબનાં મોટાં દીકરીએ એમને કહ્યું, ‘ચચ્ચાજાન! આપ જરૂર તશરીફ રખીએગા. છે રોજ કે બાદ ઇતવાર કો ઉનકા સન્માન - સમારંભ રખા હૈ. ઉસકે સાથ મિજબાની ભી રખી હૈ. બીબી-બચ્ચોકો ભી લે આના.' અલીસાહેબે હકારમાં ડોકું હલાવી વિદાય લીધી.

એમણે ઘેર જ્યારે સમારંભ -મિજબાનીની વાત કરી ત્યારે બાળકો આનંદમાં ઊછળી પડ્યાં. કેટલા બધા વખતથી ઘરનાં સૌને ધરાઈને સારું ખાવાનું મળ્યું નહોતું. ચાવલ હોય તો રોટી હોય અને રોટી હોય તો ચાવલ કે સબજી હોય! ઘરમાં મિયાં-બીબીને કહો કે ફાકામસ્તી ચાલતી હતી; છતાંય બંનેયને પોતાની હાલતની વાત જ્યાં ત્યાં કરીને દયા ઉઘરાવવાનું ગમતું નહોતું. પોતાના ઘરનાં પાસે તહેવારને લાયક સારાં લૂગડાં-લત્તાં નહીં હોવાથી તેઓ અવારનવાર પોતાના રિસ્તેદારોને ત્યાં રખાતી મહેફિલ કે મિજલસમાં જવાનું ટાળતાં. એક વાર પોતાની ખૂબ નજીકના એક રિસ્તેદારને ત્યાં અલીસાહેબ પરિવાર સાથે ગયેલા. રિસ્તેદાર ખૂબ તવંગર અને તેથી તુમાખીવાળો હતો. અલીસાહેબ અને તેમના પરિવારને સાધારણ પોશાકમાં આવેલ જોઈ તેનું મોઢું બગડી ગયું હતું. વધારામાં જ્યારે બૂફેડીનરમાં અલીસાહેબનાં બાળકો દુકાળિયાની જેમ મીઠાઈ પર તૂટી પડ્યાં ત્યારે તે ખૂબ ચિડાઈ ગયો અને એમનું અપમાન કરવા જેવું કર્યું. બસ, તે દિવસથી અલીસાહેબે લગભગ શપથ લીધા જેવું કર્યું - આવી મહેફિલો કે મિજલસો - મિજબાનીઓમાં જવા બાબતે. આસપાસ પડોશમાં વારતહેવારે મેવામીઠાઈ, આતશબાજી ને રોશનીના ભારે ઠાઠ થતા; પણ અલીસાહેબના ઘરનાં એથી મોટે ભાગે વેગળાં રહેતાં. કોઈ કોઈ વાર રીતે વેગળાં રહેતાં બાળકો જીદે ચડતાં, પજવતાં ને અકળાવતાંયે ખરાં. ક્યારેક જીદ કરતાં બાળકો આગળ કે મક્કમતા દાખવતા અલીસાહેબ આગળ ખાતુનબીબીથી રડી દેવાતું. આમ છતાં તેઓ સ્વમાનભેર જીવવા-રહેવાની ટેવ બાળકોમાં પડે માટે ખૂબ સજાગ અને સક્રિય હતાં. બાળકોય હવે ધીરે ધીરે અબ્બાજાન અને અમ્માની તકલીફોનો ખ્યાલ કરતાં થયાં હતાં. આમ છતાંયે બાળકો તો ખરાં ને?

કોઈ કોઈ વાર આડોશી-પાડોશી સાહિજક કરુણાથી પ્રેરાઈ ખાતુનબીબીને ત્યાં બિરયાની, શીરમુર્ખા કે સેવિયાં જેવી વાનગીઓ ઢાંકી જતાં. ખાતુનબીબી ના પાડે તો જબરદસ્તી કરીનેય તે રાખવા ફરજ પાડતાં. બાળકોય ત્યારે માની રજાની રાહ જોતાં, કહે તો પેલી વાનગીઓમાં હાથ નાખતાં.

ખાતુનબીબીને ઘરમાં રોજ-બ-રોજ જે તકલીફો પડતી એનો પાર નહોતો અને તેથી તે અલીસાહેબ જાણે રીતે સીવણ, ભરતગૂંથણ આદિ દ્વારા પાંચ પૈસા મેળવવાયે મથતાં હતાં. તેઓ પોતાના શૌહર-સ્વામીનું જરાય નીચાજોણું થાય માટે પણ સાવધ રહેતાં હતાં. પોતાના પતિ એક પાક આદમી છે, ખુદાપરસ્ત શાયર છે, એમની પાસે એવો ઈલ્મ છે, જે દુનિયાની કોઈ ફાની ચીજથી ખરીદાય એવો નથી તેની એમને પાકી ખાતરી હતી; તેથી તેઓ દુનિયાદારીની કઠિનાઈના ઘણા ઘા ઢાલની જેમ પોતે ખમી લઇ

અલીસાહેબને તો એની ખબર પણ પડે એની કાળજી રાખતાં હતાં. જોકે અલીસાહેબ પણ એક આલા દરજ્જાના શાયર હતા. ખાતુનબીબીની સૂક્ષ્મ પ્રકારની ફનાગીરીનું સ્વરૂપ બરોબર સમજતા હતા. તેઓ અવારનવાર પોતાની શાયરીની લતને કારણે કુટુંબને વેઠવું પડે છે હકીકતથી વ્યાકુળ થઈ જતા હતા, એક પ્રકારની અપરાધવૃત્તિ અનુભવતા અને તેથી બેચાર વાર તો બીબી આગળ શાયરી છોડી દેવાના શપથ લેવાયે તૈયાર થયેલા; પરંતુ ત્યારે ખાતૂનબીબીએ કહ્યું, “મિયાં, તકલીફેં તો બહોત ઝેલની પડતી હૈ યે સચ બાત હૈ, લેકિન આપકી શાયરીકા સહારા નહીં હોગા તો યે તકલીફેં ઝેલને મેં ઔર ભી દિક્કત આયેગી. હમારા જો શાયરીકા સુખ હૈ વો તો રહેને દીજિયે...' અલીસાહેબ ખાતુનબીબીની વાત સાંભળતાં ખામોશ થઈ જતા.

અલીસાહેબ અને ખાતુનબીબી બેયને નવાઈ લાગી કે સૈયદસાહેબના સન્માનસમારંભના આડે માંડ એક દિવસનો સમય રહ્યો છે તોયે કેમ એમના તરફથી કોઈ દાવતનામું પોતાને નહીં મળ્યું! બીજાઓને કદાચ દાવતનામું ભેજવાનું ભૂલી જવાય, પણ પોતાનેય?... અલીસાહેબનું મન કહેતું હતું કે સૈયદસાહેબ પોતાના પ્રતિસ્પર્ધી જેવા મને કદી દાવત દેવાનું ભૂલી તો જાય. હા, જાણીબૂઝીને દાવતનામું મોકલે વાત જુદી છે. ને થયું પણ એમ જ. સૈયદસાહેબના નજીકના એક રિસ્તેદારે અલીસાહેબને ખબર આપ્યા, ‘કિસી કારણસે સૈયદસાહેબ આપકો દાવતનામા ભેજનેકી તરફદારીમેં નહીં હૈ.' અલીસાહેબને આથી ઊંડો આઘાત લાગ્યો. તેઓ આઘાત સાથે ઘેર પહોંચ્યા...

ઘરે તો જુદો રંગ હતો. બાળકોને ઘણા સમય પછી સૈયદસાહેબના સન્માનસમારંભમાં સારું સારું ધરાઈને જમવાની તક મળવાની હતી. તેથી સૌ બાળકો આવતી કાલે રવિવારે ત્યાં સમારંભમાં શું શું જમશે તેના વિચારોની આપલે કરતાં હતાં. ખાતુનબીબીએ પણ જૂના પેટીપટારા ખોલી, એમાંથી બાળકોનાં કપડાં કાઢી, ધોઈધફોઈ, પડખેના ધોબી પાસે ઈસ્ત્રી કરાવી તૈયાર રાખ્યાં હતાં. અલીસાહેબની પ્યારી ફેજ ટોપી તેમ જાકીટ કાઢી તે સાંધીસૂંધી, સાફ કરી તૈયાર કરેલાં. એટલામાં અલીસાહેબ આવ્યા. બાળકો એમને આવતાં જોઈ કિલ્લોલી ઊઠ્યાં, ‘અબ્બાજાન આયે! અબ્બાજાન આયે! દાવતનામા લાયે! દાવતનામા લાયે!' અલીસાહેબે જેવો ઘરમાં પ્રવેશ કર્યો કે સૌએ તાલીઓથી એમને વધાવી લીધા...

ખાતુનબીબીને આજ અલીસાહેબ જરા વધુ થાકેલા લાગ્યા... એમના ચહેરા પર ચમક દેખાતી નહોતી. આંખોમાં ઊંડી ઉદાસી ઊભરાતી લાગતી હતી. ખાતુનબીબીએ પૂછ્યું, ‘ક્યા કુછ હુઆ ?’

‘હોના તો ક્યા થા? હમ કલ સૈયદસા'બ કે વહાં નહીં જાયેંગે!’

‘ક્યોં?’ બાળકો અને બીબી સૌએ એકસાથે પ્રશ્ન કર્યો.

‘અપને લિયે દાવતનામા નહીં હૈ.'

‘લેકિન ઉનકે લડકેને તો દાવત દી હૈ?' બીબીએ દલીલ કરી.

‘સહી બાત હૈ, લેકિન સૈયદસા'બકી ઇચ્છા નહીં હૈ કિ મૈં વહાં જાઉં... તુમ ઔર

બચ્ચે જા સકતે હૈં'

‘ક્યા બાત કરતે હો, મિયાં? હમ આપકે બિના કૈસે જાએં ઓર કૈસે ખાએં? હમ ઘરપે કુછ કરેંગે.' બીબીએ કહ્યું.

‘ક્યોં નહીં? ક્યોં નહીં? મૈને દસ રૂપૈયા એક દોસ્ત કે પાસ સે ઉધાર લિયે થે, કલ સૈયદસા'બ કે લિયે બુકે લાને કે લિયે. રૂપૈયોમેંસે અબ મીઠાઈ લાકર બચ્ચોંકો બાંટ દો. યે મીઠાઈ ખાયેંગે ઔર હમ શાયરી ગાયેંગે.'

બાળકો ઉલ્લાસમાં નાચી ઊઠ્યાં, ખાતૂનબીબી અલીસાહેબે દીધેલી દસની નોટ જોતાં રહ્યાં ને ત્યારે ઘરની જર્જરિત બારીમાં અલીસાહેબ આકાશ ભણી જોઈ રહ્યા હતા કોનો ચહેરો જોવા પકડવા તો જાણે!...

('એ બાલ્કનીવાળી છોકરી અને...'માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999