સ્નેહરશ્મિ
Snehrashmi
સૂરજને પશ્ચિમની ક્ષિતિજરેખા તરફ ઢળતો જોતાં મને ચિંતા થવા લાગી. આ એકાન્ત જંગલમાં જો રાતવાસા માટે કોઈ સુરક્ષિત સ્થળ ન મળ્યું તો પછી ખુદ વિધાતા પણ મને નહીં ઉગારી શકે. પાસેની એક ઊંચી ટેકરી ઉપર હું ચડ્યો. મેં ચારે બાજુ નજર નાખી. દક્ષિણ દિશામાં માઈલેક ઉપર હરિયાળાં ઝાડોની ઘટા જેવું દેખાયું. ઝાડોની એક સમાન્તર હાર પણ માલમ પડી. કોઈ એકાદ ગામડું ત્યાં હોવું જોઈએ એવી મને ખાતરી થઈ અને આશામાં ને આશામાં મેં તે દિશામાં ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં મારા પગ ભરાઈ આવ્યા. મને લાગ્યું કે માઈલ તો ક્યારનો થઈ ગયો, પણ હજુ ગામ કેમ દેખાતું નથી? તેમાં અધૂરામાં પૂરો ભાણ પણ ડૂબ્યો, અને થોડી વારમાં તો અંધકારનાં પગલાં પણ સંભળાવા માંડ્યાં. સૂકાં પાંદડાંઓમાં પવન ખખડતો હતો. મારા હૃદયમાં જાગતી ભીતિને નિવારવા સિસોટીમાં હું એકાદ રાગના ટુકડા વગાડવા મંડ્યો. પગમાં કળતર તો હવે પાર વિનાનું થવા માંડ્યું, અને ચાલવાનું કામ પગે કર્યું હતું છતાં હાથ પણ જાણે ઘણો થાકી લોથપોથ થઈ ગયા હોય તેમ જડ જેવા બની શરીર ઉપર ભાર લટકાવ્યો હોય તેવા બની ગયા.
એવામાં કોઈ વાછરડીના દૂરથી બરાડવાનો અવાજ આવતાં તો કોઈ તારણહારનો સાદ ન હોય તેમ મને લાગ્યું. હું રાજી થયો કે ટેકરી ઉપરથી કરેલું અનુમાન છેક ખોટું ન હતું. એ ઝાડ માણસોની વસ્તીનાં સૂચક હતાં. હું કોઈ એક ગામની ભાગોળે આવી પહોંચ્યો હતો તે વિશે મને જરા પણ શંકા રહી નહીં.
ગામ નાનકડું પણ રળિયામણું લાગતું હતું. ભાગોળે એક નાનું સુંદર તળાવ હતું. તળાવ ઉપર એક મંદિર હતું. મંદિરમાં દીવો બળી રહ્યો હતો. તે ઉપરથી ત્યાં કોઈક હોવું જોઈએ એમ મેં અનુમાન કર્યું. ગામમાં જઈ કોઈ અજાણ્યા પાસે આશ્રય માગવા કરતાં મંદિર જેવી જાહેર સંસ્થાનો આશ્રય માગવા કરતાં મંદિર જેવી સાર્વજનિક સંસ્થાનો આશ્રય શો ખોટો? આથી મેં મંદિર તરફ ચાલવા માંડ્યું. મંદિરના આંગણામાં બે આસોપાલવનાં ઝાડ એકબીજાની તદ્દન નિકટ, જાણે એકબીજાના કાનમાં કંઈ વાત કરી રહ્યાં હોય, જાણે એકબીજાને ગળે વળગી રહ્યાં હોય એવાં મેં જોયાં. સ્થળની આવી રમણીયતા જોતાં જ મારો થાક ઊતરી ગયો. અંદર પેસતાં મને પૂજારી સામો મળ્યો. મેં તેને નમસ્કાર કર્યા અને કહ્યું :
“મહારાજ, રાતવાસો અહીં કરવો છે. એકાદ ઓરડી આપશો તો ઉપકાર?”
મહારાજ મારા તરફ ધારીધારીને જોઈ રહ્યા હોય એમ મને લાગ્યું. મેં તરત જ વાત ફેરવી :
‘આરતી થઈ ગઈ? મને દર્શન નહીં કરાવો?’ એમ કહી હું પગથિયાં ચડવા લાગ્યો. મહારાજ પાછળ પાછળ આવ્યા. મંદિરમાં કોની મૂર્તિ હતી તે તપાસ્યા કર્યા વિના કે બીજી કોઈ પણ જાતની પૂછપરછ વિના હું પગે પડ્યો અને ગજવામાંથી એક રૂપિયો કાઢી મેં ઉંબરા પર ધર્યો. રૂપિયો જોતાં મહારાજ જાણે કોઈ ચિરપરિચિત મિત્ર હોય તેમ બોલી ઉઠ્યો.
‘આ જુગલદેવતાનું સત તો ભારે છે હો! એ જાગતા દેવ છે.’
પણ મારે આજે જાગતા દેવની જરૂર ન હતી. મારે જાતે ઊંઘતા દેવ બનવું હતું. પણ તે પહેલાં આ મહારાજદેવને પ્રસન્ન કર્યે જ છૂટકો હતો. એટલે મેં કહ્યું :
‘એમ કે? ત્યારે તો આપણા બધા મનોરથો પણ એ પાર પાડતા હશે?’
‘જરૂર.’ મહારાજે ઉમળકાભેર જવાબ આપ્યો. તેમને રાતવાસાની વાત યાદ આવી એટલે બોલ્યા :
‘આ પાસેની ઓરડીમાં તમે સૂઈ રહેશો તો વાંધો નથી. અને અહીં ભો જેવું પણ કંઈ નથી.’
‘ના રે, મારે ડરવા જેવું પણ શું છે? આ તો ઠીક છે કે રસ્તો જડી આવ્યો, નહિ તો જંગલમાં જ સૂવું પડત ને?’
રૂપિયાએ પોતાનું ધાર્યું કામ કર્યું હતું. મહારાજે મને એક ઓરડી ખોલી આપી. એક ગાદલું, ઓશીકું ને ચાદર પણ તેઓ આપી ગયા. થાક અને ક્ષુધા મને ક્યારના લાગ્યાં હતાં, પણ મારી પાસે ભાથું હતું એટલે મહારાજે ખાવા સંબંધી પૂછપરછ કરવાનો વિવેક કર્યો તેનો મેં સીધો ઉત્તર આપી ટૂંકમાં પતાવ્યું.
મહારાજને વદાય કરી હું નિરાંતે સૂતો. રજની નિઃસ્તબ્ધ નીરવ બની. બારીમાંથી ડોકિયાં કરતી શીતળ ચાંદની તેના સ્પર્શથી મારો થાક ઉતારી મારાં પાપચાંમાં ઘેન ભરી રહી હતી. ધીરે ધીરે હું ગાઢ નિદ્રામાં પડ્યો.
આમ લગભગ ત્રણેક કલાક હું ઊંઘ્યો હોઈશ, ત્યાં ઊંઘમાં મને ભાસ થવા માંડ્યો કે મારી નિકટ કોઈ ગાઈ રહ્યું છે! મને લાગ્યું કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું. પણ એ ગાન તો ધીરે ધીરે વધતું જ ગયું. તેના નાજુક ધીરા સૂર વાતાવરણમાં ઘૂમવા લાગ્યા. અનંત નભમાં પાંખ ફફડાવી વેદનાનું કોઈ પંખી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો અને તારાઓની પાર જવા મથે એમ તે સૂરમાં રહેલું દર્દ, તેમાં રહેલી વેદના ચારે બાજુ ઘૂમવા લાગી. મારી ઊંઘ ઊડી ગઈ. ગાનના સૂર મને વધુ સ્પષ્ટ થયા. આખું જગત મને એ ગાનની અસર હેઠળ અશ્રુ સારતું લાગ્યું. આવું સંગીત તો મેં કદી પણ સાંભળ્યું ન હતું. મને લાગ્યું કે હું હજી સ્વપ્નમાં જ છું. મેં મારા હાથ ઉપર હું જાગું છું કે સ્વપ્નમાં છું તે જોવા ચૂંટી ખણી. મને દુઃખ થયું, પણ તે પણ મારા સ્વપ્નનો જ એક ભાગ હોય એવો મને ભાસ થયો. પથારીમાંથી હું બેઠો થયો, ઓરડામાં આમતેમ આંટા મારવા લાગ્યો. ગાન તો અવિશ્રાંત રીતે ચાલ્યું જ કરતું હતું. તે જ દર્દ, તે જ વેદના, તે જ આતુરતા! કોણ ગાતું હશે એ? સામેના આસોપાલવમાંથી એ સૂર આવી રહ્યા હોય એમ મને લાગ્યું. હવે મારી ધીરજ ન રહી. આવું અદ્ભુત સંગીત કોણ કરી રહ્યું છે તે જાણ્યા વિના મારાથી કેમ રહેવાય? હું ઓરડીમાંથી બહાર નીકળ્યો. મને ન સમજાય એવી ભીતિ લાગવા માંડી. પણ ગાનનું એ ઘેન ભારે હતું. અસહાય બની હું આસોપાલવ તરફ યંત્રવત્ ગયો, પણ ત્યાં જતાં ધ્રુજી ઊઠ્યો. ત્યાં તો કોઈ જ ન હતું! એ બે આસોપાલવમાંથી જાણે એક સંગીત કરી રહ્યો હોય અને બીજામાંથી જેમ સતાર ઉપરના મુખ્ય તારોમાંથી નીકળતા સૂરોને ઝીલી સાથેના બીજા તારો વધુ સંગીતમયતા અર્પે તેમ તે સંગીતનો પ્રતિધ્વનિ ગૂંજતો હોય એવો મને ભાસ થયો. હું દિગ્મૂઢ બની ગયો. મારી છાતી ધડકવા લાગી. આવું અશરીરી સંગીત! અને આવું વેદનાભર્યું! ભૂતપ્રેતની વાતોમાં હું માનતો નથી, પણ આનો અર્થ? પણ વધુ વિચાર કરવાની મારી શક્તિ જ ન હતી.
કોઈ અસહ્ય ગમગીની, કોઈ પારાવાર વેદનાનું મને ભાન થવા લાગ્યું. મારી આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. આ કેવું! હું અકળાયો. એ સંગીત મને અસહ્ય થયું. મારું ચાલત તો એ હું બંધ કરાવત; પણ સંગીત તો પસરતું જ ચાલ્યું. ચારે બાજુએ કરુણતાનો સાગર લહેરાતો હોય એવું મને લાગ્યું. આજે પણ તેનો વિચાર કરતાં તે ગાન તેની એ કરુણતાસહ મારા કાન આગળ ગુંજે છે, અને મારું મન ઉદાસ બની જાય છે. મળસ્કે ચાર વાગ્યા સુધી એવી રીતે એ ગાન ચાલુ રહ્યું. પછી ધીરે ધીરે તે દૂર દૂર જઈ રહ્યું હોય, અને આંસુ સારતાં ઊભેલાં શાંત પહાડોની પાર કોઈ અગમ્ય, અણદીઠ, ગૂઢ સ્થળ તરફ વિરાટના પ્રસુપ્ત હૃદયના એકેએક તારને કંપાવતું વિલીન થઈ રહ્યું હોય એમ મને લાગ્યું. પછી પ્રશાંત નીરવતા પસરી, પણ એ શાંતિ હતી કે મૃત્યુનો ઓથાર?
પહેલા ત્રણ કલાક ઊંઘ્યો તે માફ - ત્યાર પછી આખી રાત મટકું પણ શાનું માંડ્યું હોય! પણ એ ચાર વાગ્યા પછીના કલાકો તો મને કેવળ અસહ્ય થઈ પડ્યા. ક્યારે સવાર પડે ને મહારાજને એ સંગીત સંબંધી હું પૂછું તેની જ મને તાલાવેલી લાગી, પણ સવારે મહારાજ આવતાં તેમને હું કંઈ પણ કહું તે પહેલાં તો તેમણે જ પૂછ્યું :
‘રાતે તમે આસોપાલવને ગાતાં સાંભળ્યાં? તમને એ તો હું કહેવાનું જ ભૂલી ગયો.’
મેં કહ્યું : ‘હા, પણ કોઈ માણસ ગાતું ન હતું. અને પેલા આસોપાલવ ગાતા હોય એમ લાગતું હતું.’
‘હા ભાઈ, તમારી વાત ખરી છે. પણ સારું થયું કે તમને બીક ન લાગી. અજાણ્યાને એ સાંભળતાં જરૂર ડર લાગે. દર સુદ નોમને દિવસે આ જ રીતે આસોપાલવ ગાય છે. આ જુગલદેવતાની સ્થાપના પણ એ ગાનને અંગે જ થયેલી છે. અને ભાઈ, જુગલદેવતાનું સત એવું છે કે અમારા ગામમાં કોઈ સ્ત્રી વિધવા નથી બનતી.’
મહારાજની વાત હું આતુરતાપૂર્વક સાંભળી રહ્યો હતો, પણ આસોપાલવના ગાનનું રહસ્ય એમાં ન આવ્યું. એટલે મેં કહ્યું :
‘પણ એ જુગલદેવતાની અને આસોપાલવના ગાનની મને તમે આખી વાત માંડીને કહો.’
‘ચાલો, હું તમને માધાકાકા પાસે લઈ જાઉં. અમારા ગામમાં સૌથી ઘરડા એ છે. તમને તે જુગલદેવતાની વાત કહેશે.’
માધાકાકાની ઉંમર કળવી એ મુશ્કેલ હતું. મહારાજે મને રસ્તામાં કહ્યું હતું કે માધાકાકાની ઉંમર એકસો દસ વર્ષની છે. તેમને જોઈને તે મને સાવ ખોટું તો ન જ લાગ્યું. તેમની પાંપણ સુધ્ધાં સફેદ બની ગઈ હતી. તેમના આખા શરીર ઉપર એક કાળો વાળ શોધ્યો જડે એમ ન હતો. મહારાજે મારું ઓળખાણ કરાવ્યું. માધાકાકાએ મને ભાવપૂર્વક બેસાડ્યો, અને જે વાત તેમણે અનેક વખત કહી હશે તે મને કહેવા માંડી :
‘ઘણાં વર્ષ ઉપરની આ વાત છે. તે વખતે તમે તો શું, કદાચ તમારા પિતા પણ નહિ જન્મ્યા હોય. અમારા ગામમાં બધાનો ધંધો ખેતીનો. પણ એક જુવાનને જુદો જ છંદ લાગ્યો. અમારા બધામાં નાનપણથી જ તે જુદો પડી આવતો. ઈશ્વરે તેને ભૂલથી અહીં જન્મ આપ્યો હતો; કોઈ મોટા રાજાના મહેલમાં રાજકુમાર તરીકે શોભવાને જ તે યોગ્ય હતો. પણ વિધિના ખેલ કોણ જાણે? કેટલીક વખત તે એવી એવી વાતો કરતો કે અમને સમજણ ન પડે. તેની બધી વાત જ જુદી. ફરવા ગયાં હોઈએ અને કોઈ એકાદ ઝરણા પાસે જઈ ચડીએ તો તેના ખળખળ વહેતા પાણી તરફ મીટ માંડી તે કલાકો સુધી બેસી રહે. કોઈ વાર વળી રસ્તે તારાઓને નીરખતો તે કલાકોના કલાક સુધી જાગે. કેટલાક લોકોને તો આથી ઘેલો પણ લાગતો, પણ ભાઈ, તે ઘેલો ન હતો. અમે ન જોયું હોય એવું તે જોતો. હું તો ત્યારે પણ માનતો હતો કે કોઈ યોગભ્રષ્ટ આત્મા એ હોવો જોઈએ. બધા જુવાનોમાં મારી જોડે તેને સૌથી વધુ હળતું; પણ તેની વાતોમાં મને બહુ સમજણ પડતી ન હતી. વારંવાર તે કોઈ ગૂઢ અને અગમ્યની વાર્તા કરતો. કોણ જાણે તેને સંગીતનો નાદ કોણે લગાડ્યો? પણ જ્યારે જ્યારે હું તેને જોતો ત્યારે લગભગ મેં હંમેશ તેને પોતાની સારંગી ઉપર મંડ્યો જ હોય. તેના બાપ તેને વારંવાર ખેતીમાં ચિત્ત લગાડવા કહેતા પણ તેને તો તેની સારંગી ભલી કે વાંસળી ભલી. આથી કેટલાક લોકોને મન તો તે વહી ગયેલો જેવો પણ લાગતો. મને સંગીતમાં બહુ ગતાગમ નહીં પણ વારંવાર મને તે ખેંચી જાય અને મારી સાથે બેસી કલાકોના કલાક સારંગી વગાડે. મને તેનું સંગીત ઘણું ગમતું, પણ તેની આગળ વખાણ કરતાં મને ડર લાગતો, કારણ કે તેની ખેતી તરફ તેનું બિલકુલ ધ્યાન જ ન હતું. તેની આ સંગીતઘેલછાથી થતી લોકનિંદા તેને કાને આવતી; પણ તેની તો તેને ચિંતા જ ન હતી.
‘એક દિવસ તે ગમગીન જેવો મારી પાસે આવ્યો. સાંજના ચારેક વાગવા આવ્યા હશે. કંઈ પણ બોલ્યાચાલ્યા વિના તે મને હાથ પકડી એક ઝાડ હેઠળ ખેંચી ગયો. ત્યાં બેસી તેણે તેની સારંગી હાથમાં લીધી. મારું હૃદય ધડકવા લાગ્યું. આજનો તેનો દેખાવ જુદો જ હતો. નાજુકતાથી સારંગી ઉપર તેની આંગળીઓ ફરવા માંડી. તેની આંગળી હેઠળ જાણે સૂતેલા તારો આતુરતાથી ડૂસકાં લેતા જાગી ઊઠ્યા. કોઈ ગેબી ગાન તેમાંથી ઝર્યું. આકાશમાં ઊડતાં પંખીઓ તે સાંભળતાં અસ્વસ્થ બન્યાં. ઝાડપાન, આકાશ, ધરતી અસ્વસ્થ બની રહ્યાં હોય એમ મને લાગ્યું. મારો પ્રાણ પણ પણ અસ્વસ્થ થઈ ગયો. ચારે બાજુએ ગાનની ગમગીન લહેરી ફેલાઈ. હળ ખેડતા ખેડૂતોએ ચાસ અધૂરા નાખી ઉતાવળા ઉતાવળા ઘર તરફ દોડવા મંડ્યા. પંખીઓ માળા તરફ ઊડવા મંડ્યા. ગાય, ભેંસ આતુર બરાડા પાડતી ઘર તરફ પોતાના વાછરડાંને ભેટવા દોડવા મંડી, પ્રાણમાં કોઈ અસહ્ય તૃષા જાગતી હોય, આખું જીવન કોઈ અપૂર્વ મિલનને માટે તલસી રહ્યું હોય એવું તે સંગીત ઝર્યે જતું હતું. ભાઈ, એ સંગીત ન હતું. સંગીતના રૂપમાં તેનું દિલ તે નિચોવી રહ્યો હતો. અને કોઈનું દિલ નિચોવાય ત્યારે કુદરત કેમ સ્થિર રહી શકે? આખું જગત તેની સાથે અશાંત બન્યું હતું. મારાથી પણ હવે સ્થિર બેસાય એમ ન હતું. હું અકળાઈ ગયો. તેના હાથ થંભાવવા મેં તેને આજીજી કરી, પણ સાંભળવા તેને કાન જ ક્યાં હતાં? તેને જગતનું ભાન જ ક્યાં હતું? તે તો કોઈ ગૂઢ વેદનામાં ડૂબ્યો હતો. અંતે મારાથી ન રહેવાયું. મેં તેના હાથ અટકાવ્યા. તેણે મારા તરફ એક વેદનાભરી દૃષ્ટિ ફેંકી.
મેં કહ્યું : ‘ભાઈ, તારું આ ગાન તો બાળી મૂકે છે. જાણે આખા પ્રાણમાં કોઈ જ્વાળા ભભૂકે છે. એ નથી સહેવાતું. તું બંધ કર.’
‘ખરું છે, પણ મારી જ્વાળા કોણ શમાવે?’
મેં પૂછ્યું : ‘પણ છે શું? તે તો કહે. એવી કઈ જ્વાળા છે જે તને તાવે છે?’
તેણે એક ઊંડો નિસાસો નાખ્યો. તેનું મૌન મને અસહ્ય થઈ પડ્યું. મેં તેને અત્યંત આગ્રહ કર્યો, એટલે તેણે મને કહ્યું :
‘થોડાક દિવસ ઉપર મને એક સ્વપ્ન આવ્યું હતું. કોઈ અનંતતાને આરે જાણે હું ઊભો હોઉં, એક બાજુ કોઈ વિશાળ નિઃસીમ રણ વિસ્તરતું હોય અને બીજી બાજુ કોઈ ગહનઘેરો ઉદધિ ગર્જતો હોય એમ મને લાગ્યું. રણની રેતી સુવર્ણની હતી. ઘડીકમાં હું રણની એ ભવ્ય ક્ષિતિજરેખા તરફ જોતો તો ઘડીકમાં સાગરની ગહનતા માપવા મથતો આમતેમ આંટા મારી રહ્યો હતો. પણ મારી ઉંમર આજે છે તેટલી ન હતી. હું આઠ નવ વર્ષનો કિશોર હોઉં એવું લાગતું હતું. મને એકાંત લાગવા માંડ્યું. આવી સુંદર સોનેરી રેતી, આટલો સુંદર કિનારો, તેમાં કોઈ રમનાર સાથી હોય તો કેવું! મારું દિલ સોબત માટે તલસવા મંડ્યું. મેં રેતીમાંથી જાતજાતની આકૃતિઓ સર્જી. પણ તેની પ્રશંસા કરનાર મારા સિવાય બીજું કોઈ ન હતું. મારા પ્રાણમાં કોઈ આતુર તૃષા જાગી. એવામાં એકાએક થોડે દૂર એક બાલિકાને મેં રમતી જોઈ. મારું હૈયું આનંદથી કૂદી ઊઠ્યું. શું તેનું રૂપ! નરી કોઈ દેવકન્યા જ! તે પણ આઠ નવ વર્ષની હશે. તેના વાળની કાળાશ આ જગતમાં બીજે ક્યાંય ન જડે -દિવસ અને રજનીએ એકસાથે બેસી ગૂંથ્યા ન હોય! અને તેનું ગૌર, સ્નિગ્ધ વદન! તેની વિશાળ ભાવભરી આંખ! એ બધું કેવી રીતે, કઈ ભાષામાં વર્ણવું? તેને જોતાં મેં સ્મિત કર્યું. જવાબમાં તેણે એક સ્નિગ્ધ મોહક સ્મિત કર્યું. તેણે તેનાં એ ભોળાં વિશાળ સ્નેહાર્દ નયન વડે, કોઈ નાનકડું પ્રફુલ્લ કમળ વિકસ્યું હોય એવી નાજુક હથેળી વડે – અરે! તેના આખા પ્રાણ જાણે કે મને પોતાની નિકટ બોલાવ્યો, હું મારી રેતીની રમત પડતી મૂકી તેની તરફ દોડ્યો. પણ આ શું! હું દોડ્યા જ કરું, પણ અંતર તો તેટલું ને તેટલું જ! કેમે કરીને અંતર ખૂટે જ નહીં, અને તેનો નાજુક અંગુલિઓ તો જાણે મને તેડ્યા જ કરે. અને નીલઘેરો ગંભીર ઉદધિ, એ નિઃસીમ અફાટ રણ અને તેની રૂપાળી સુવર્ણ વાલુકા એ તો હું યુગાન્તર સુધી દોડ્યા કરું તો પણ નિઃસીમનાં નિઃસીમ જ રહે એમ મને લાગ્યું. વળી પેલી બાલિકા ઘડીકમાં નિકટ, ઘડીકમાં દૂર તો ઘડીકમાં અદૃશ્ય થઈ જાય. દોડતાં દોડતાં મને ખ્યાલ પણ ન રહ્યો કે તે બાલિકા મટી એક કિશોરી - એક યુવતી બની ગઈ હતી. અને હું એક યુવાન બની ગયો હતો! તેના યૌવનમાંથી માદકતા નહિ - નરી સાત્વિકતા નીતરતી હતી. તેનાં પ્રત્યેક અંગ જાણે તેજતત્ત્વનાં ઘડ્યાં હોય, જાણે બ્રહ્માએ કવિતા, કલા કે સંગીતની દેવીને ઘડવાનાં સ્વપ્ના સેવતાં તેને સર્જી હોય એમ મને લાગ્યું. તેના લલાટના બંને ખૂણા ઉપર ઝૂલતી લટો તેના કાન ઉપર અર્ધચંદ્રની જેમ ફેલાઈ તેના વાંસા ઉપર સેર બની લટકતી હતી. તે સેરમાં ત્રણ ગુલાબ હતાં, અને તેના દોડવાથી સેર જ્યારે હાલતી ત્યારે કલાની દેવી જ એ સેરમાં આવી નૃત્ય કરી રહી હોય એવું લાગતું - પણ ના, ના, એ બધું હું તને પૂરું ન સમજાવી શકું, નહિ વર્ણવી શકું. અમે બંનેએ આમ દોડ્યા જ કર્યું. એવામાં એ રણના પાદરમાંથી કોઈ સ્વપ્ન ઊડતું હોય, અનંત સાથે તાદાત્મ્ય સાધવા રણ પોતાનો હાથ ઊંચા કરી રહ્યું હોય એમ મેં આકાશના અગાધ ઊંડાણમાં અદૃશ્ય થઈ જતો એક મિનારો જોયો. પેલી યુવતીને મેં મિનારાની સીડી પર ચડતી જોઈ. હવે મને આશા આવી. મને થયું કે અહીં જ તે રહેતી હોવી જોઈએ. હવે તો જરૂર તેને મળી શકશે. હું મિનારા નિકટ પહોંચી ગયો. પણ તેની ઊંચાઈ જોતાં આખું બ્રહ્માંડ મને ચક્કરચક્કર ફરતું દેખાયું. મારી પીઠ ઉપર કાટખૂણાકારે મારું માથું ઝુકાવું તો જ મિનારાના શિખર સુધી નજર પહોંચી શકે એટલો તે ઊંચો હતો. આમ છતાં કેવું આશ્ચર્ય! આટલી અસાધારણ ઊંચાઈ ઉપર પણ તે તો નજીકથી જેવી દેખાતી હતી તેવડી જ મને માલૂમ પડી. તે જ મધુર, મોહક, પ્રેરક સ્મિત! તેડી રહેલાં તે જ ભાવભર્યાં વિશાળ નયન! મિનારા ઉપર ચડવા હું સીડી તરફ દોડ્યો. ઉપર પહોંચતાં તો હું છેક લોથપોથ થઈ ગયો; પણ મિલનની આશાના ઉલ્લાસમાં મને એ થાકની પરવા ન હતી. પરંતુ ઉપર જતાં મેં શું જોયું? ત્યાં તો કોઈ જ ન હતું. એવામાં નીચેથી સંગીતની કોઈ પ્રચંડ હેલી ઊછળી રહી હોય, દશે દિશામાં સ્મિતનો કોઈ ઉજ્જવલ પ્રકાશ રેલી રહ્યો હોય એમ મને લાગ્યું. મેં નીચે જોયું તો—‘
‘અરે! હું તો અહીં ક્યારની રાહ જોતી ઊભી છું. તમે હજુ ત્યાં છો?” – એવો તેનો મીઠો ટહુકો આવ્યો. તેણે વહાલભર્યું સ્મિત કર્યું. તે કંઈક ગણીગણી - જાણે નાજુક સારંગીનો સૂર! અરે! સારંગીમાંથી પણ એવા સૂર ન નીકળે! તેના એ શબ્દો દિશાઓએ ઝીલી તેમાંથી અદ્ભુત સંગીત પ્રગટાવ્યું. નીચે જવા હું સીડી તરફ દોડ્યો. પણ સીડી ક્યાં? મિનારાને સીડી જ ન મળે! ત્યારે હું ઉપર આવ્યો કેવી રીતે? નીચેથી તેના આતુર સાદ તેનું નિમંત્રણ તો આપ્યે જ જતો હતો. મેં નીચે જોયું. મને આંખે તમ્મર આવ્યાં. કેવી ઊંચાઈ! નીચે જોવાની પણ હિંમત કેમ કરી શકાય? પણ શું મારે એ ઊંચાઈથી ડરી જવું અને તેને મળવા કંઈ જ ન કરવું? કેવી તે બોલાવી રહી હતી! તેના પ્રત્યેક અંગમાં મિલન માટેની ઉત્સુકતા કેવી ગાંડી બની મને ઇશારા કરી રહી હતી! મેં આંખ મીંચી દીધી. એ ભયંકર ઊંચાઈએથી જમીન પર પડતું મૂક્યું. મને ખાતરી હતી કે હું નીચે પહોંચું તે પહેલાં તો આખી દુનિયામાંથી ચાલ્યો ગયો હોઈશ, પણ ના, મને કોણે ઝીલી લીધો? અને મારા બંને ગાલો પર પોતાની કુસુમ જેવી હથેળીમાં દબાવી, મારા સુખ સામું અપાર સ્નેહથી ગાંડું બની કોણ જોઈ રહ્યું હતું?
અમે બંને કોઈ સુંદર કમળમાં જાણે બેઠાં હતાં - એકબીજાની તદ્દન નિકટ, એકબીજાના પ્રાણ સાથે જાણે તાદાત્મ્ય સાધીને - પણ યુવક-યુવતી જેવા નહિ. જ્યારે મેં પહેલાં તેને જોઈ ત્યારે હું જેવો બાળક હતો અને તે જેવી બાલીકા હતી તેવાં! એટલામાં મારું એ સ્વપ્ન ઊડી ગયું. હું જાગી ગયો. તે દિવસનો હું અશાંત બન્યો છું. મારા સ્વપ્નની એ હ્રદયદેવી જગતમાં કોઈક ખૂણે, કોઈક અજાણી જગ્યાએ અવસ્થિત છે અને મારી રાહ જોઈ રહી છે એ વિશે મને શંકા ન રહી...’
‘પણ તેને આગળ અટકાવી મેં કહ્યું : ‘ગાંડો થયો? એવું તે કંઈ બને? મારે પણ હવે બીજાઓની માફક તને ગાંડો જ કહેવો પડશે. સ્વપ્નાં કંઈ સાચાં થોડાં જ હોય?’
તેણે કહ્યું : ‘સાચાં ન હોય? તને શંકા છે? મેં તેને સદેહે જોઈ - તે જ રેખાઓ, તે જ વદન, તે જ નયન અને ત્યારથી તો હું વધુ અશાન્ત બન્યો...’
ત્યાર પછી અકસ્માત એક દિવસ કેવી રીતે એક લગ્નપ્રસંગે તેણે તેને જોઈ તેની મને વાત કરી. ‘ગામમાં પાસેના ગામની એક જાન આવી હતી. વરઘોડો જોતા આંગણામાં તે ઊભો હતો. વરરાજાના ઘોડા પાસે કોઈ એક કિશોરી વરરાજા ઉપર ચોખા અને ફૂલ નાખતી ચાલી રહી હતી. વરની તે બહેન હતી. તેને જોતાં તે ચમક્યો. પોતાની સ્વપ્નદેવી તે એ જ! તેની એકેક રેખામાં તેને તેની જ છાપ માલમ પડી. જે ઘરમાં જાનને ઉતારો આપ્યો હતો, તેની સામે બારણે તેનું બીજું ઘર હતું...’
મેં માધાકાકાને વાતમાં અટકાવી કહ્યું : ‘પણ તમે મને તમારા એ મિત્રનું કે યુવતીનું, એમાંથી કોઈનું નામ તો કહ્યું જ નથી!’
‘અરે! હા, એ તો ભૂલી જ ગયો...’ માધાકાકાએ આગળ ચલાવ્યું : ‘તેનું નામ હતું રાહુલ અને પેલી યુવતીનું રાધા. રાહુલનું બીજું ઘર ઉતારા સામે હતું, પણ તેમાં કોઈ રહેતું ન હતું. માત્ર રાહુલ જ્યારે તેને સારંગી વગાડવી હોય ત્યારે તે ઘરમાં જતો અને ત્યાં બેસતો. બીજા દિવસે તેણે સવારથી સારંગી વગાડવા માંડી. તે દિવસે બધા જાનૈયા પણ તે સાંભળી ગાંડા બન્યા. આખું ગામ ગાંડું બન્યું. આવા આનંદના સૂરો તેણે આ પહેલાં એ નિર્જીવ યંત્ર પર કદી જગાડ્યા ન હતા. પશુપંખી, ઝાડપાન, અરે! રસ્તા ઉપરના પથરા, ઘરની ઈંટો - સૌ કોઈ જાણે આનંદના એક પરમ મહાસાગરમાં નાચવા મંડ્યા. એ સંગીત કોણ કરી રહ્યું છે તે જોવા રાધા વારંવાર બારણામાંથી ડોકાવા મંડી. એક વખત બન્નેની નજર મળી ગઈ! બસ, થઈ રહ્યું, જાણે જુગજુગથી તેઓ એકબીજાને શોધી રહ્યાં હોય તેમ તેમના આત્મા એકબીજાને જાણે ગાઢ આશ્લેષમાં મળ્યા. રાહુલ ત્યાર પછી અનેક વખત રાધાને મળ્યો. પોતાના પિતાને પણ તેણે એ વાત કરી. રાહુલના બાપે રાધાના બાપ ઉપર કહેણું મોકલ્યું. તેણે જવાબ આપ્યો :
‘રાહુલ પોતાની સંગીતની કુટેવ છોડે તો મારી દીકરી આપું.’ રાહુલના બાપને આ સાંભળતાં ગુસ્સો ચડ્યો. તેણે જોયું કે રાધાના બાપને પોતાના કુળનું અભિમાન હતું. તે પોતાને ઊંચો સમજતો હતો, તેથી આમ બહાનાં કાઢી નાહક પોતાના દીકરા ઉપર આળ ચડાવે છે. તેણે રાહુલને સંભળાવી દીધું :
‘હવે તે મુખમાં તરણાં લઈ પગે પડતો આવે તો પણ તેની દીકરી મારા ઘેર નહિ.’
રાહુલને આ વજ્રપાત અસહ્ય થઈ પડ્યો. તે દિવસનો તે ગાંડાની જેવો ભટકતો, અને પોતાની સારંગીમાંથી દર્દના જ સૂર કાઢતો. તેણે મારી આગળ હૈયું ખાલી કર્યું. તે જરા સ્વસ્થ થયો. મેં તેને આશ્વાસન આપ્યું. તેના બાપાને સમજાવવાનું માથે લીધું. તેમને અનેક રીતે સમજાવી મેં મનાવી લીધા. રાધાના બાપ પાસે પણ હું ગયો, પણ તે તો પોતાની જીદમાં મક્કમ જ રહ્યો : ‘જો તે સંગીત છોડી દેવાનું વચન આપે, તો મારી દીકરી હું તેને આપું.’ એમ તેણે મને છેવટનું સંભળાવી દીધું. પણ આ વાત મેં રાહુલને કરી નહિ. છેવટનો એક પ્રયત્ન કરી જોવાનો મેં ફરીથી નિશ્ચય કર્યો. દરમિયાન રાહુલ ગાંડાની જેમ ભટકવા મંડ્યો. અમારા ગામની પેલી સીમમાં જે તળાવ છે, તે રાધાના ગામની અને અમારા ગામની સીમા વચ્ચે આવ્યું છે. રાહુલ તે તળાવ પર જાય અને ત્યાં તળાવનાં નીરને, તળાવ ઉપરના વડને અને પશુપંખીઓને રડાવે. રાધા છાનીમાની ત્યાં આવી પહોંચે અને બન્ને થોડીક ક્ષણો ગુપચુપ પોતાની પ્રેમવાર્તા કરી લે. રાધાએ ચાંદા-સૂરજની સાખે રાહુલને ભવભવનું વચન આપ્યું. પણ આવી વાત છૂપી રહે ખરી? રાધાના બાપના કાને તે આવતાં તેના ગુસ્સાનો પાર રહ્યો નહિ. તેણે તેને ઘરબહાર પણ નીકળવા દીધી નહિ. રાહુલ દિવસોના દિવસ સુધી તે તળાવ પર પોતાની વિરહની આતુર સારંગી વગાડે, પણ બિચારી રાધા તેના જવાબ આપવા ક્યાંથી જઈ શકે? રાહુલની નિરાશા હવે માઝા વટાવી ગઈ. તે રાધાના બાપ પાસે ગયો અને તેણે પૂછ્યું :
‘હું સંગીતનું પાણી મૂકું તો તમે મને રાધા સાથે પરણાવશો?’ રાધાનો બાપ પહેલાં તો હસ્યો, પણ જાણે તેની મજાક કરતો હોય તેમ તેણે કહ્યું :
‘હા, પણ તેં સંગીત છોડ્યું છે તેની ખાતરી શી? તારું વચન મને આપ. આજથી એક વર્ષ સુધી તે સારંગી હાથમાં નથી લીધી એવી મને ખાતરી થાય અને ત્યાર પછી પણ નથી લેવાનો એવો મારો દૃઢ વિશ્વાસ થાય તો હું તને રાધા જોડે પરણાવવાનો વિચાર કરું.’
રાહુલે જાણે તે સ્વપ્નમાં બોલી રહ્યો હોય તેમ કહ્યું : ‘જરૂર. પણ મને આજે એક છેલ્લી વખત સારંગી વગાડી લેવા દો. બસ, એક જ વખત! અને પછી રાધાને ખાતર જીવનભર સારંગીનું નામ પણ નહિ લઉં.’ તેની આંખ કોઈ અદ્રષ્ટને જોઈ રહી હોય એવી બની ગઈ. તેના મુખ ઉપર કંઈ અસાધારણ તેજ ચમક્યું. રાધાના બાપે તેની માંગણી કબૂલ રાખી. રાહુલ ત્યાંથી યંત્રવત્ ચાલી નીકળ્યો. બીજા રસ્તે દોડી રાધા તેને હાંફળીહાંફળી મળી.
‘અરે! તમે આ શું કર્યું? આવું વચન અપાય?’ તેણે દુઃખથી ચીરાતા હૃદયે ઠપકો આપ્યો.
‘તારે માટે શું ન થાય, રાધા? તને આજ મારા પ્રાણના સંગીતમાં એવી ગૂંથીશ કે અનંત કાળ સુધી આપણને કોઈ છૂટાં નહિ પાડી શકે. અને મારા પ્રાણના પ્રકાશને સંગીત જેવી તું જ્યારે હૃદયને આરે આવી આજે આતુર બંસી બજાવી રહી છે, ત્યારે મારી આ સારંગી શી વિસાતમાં?’ તે રાધાને સમજાવવા મથતો હતો, પણ, ભાઈ, શબ્દો દિલના દર્દને થોડા જ છુપાવી શકે?
‘તે રાતે પોતાની વહાલી સારંગીને છેલ્લી વખત હાથમાં અત્યંત વહાલથી ઉપાડી તે તળાવની પાળ ઉપર બેઠો. ધીરેધીરે એક અસહ્ય વેદનાની લહેરી વાતાવરણના ઉરને ચીરવા મંડી. આખી અવની જાણે રડી રહી હોય, આભ જાણે ઊંડા નિઃશ્વાસ નાખી રહ્યું હોય તેમ નિઃશ્વાસભર્યું એ સંગીત તળાવના નીરમાંથી, તેની પાળોમાંથી, ઝાડોની શાખાઓમાંથી પ્રતિધ્વનિત થવા માંડ્યું. ગામના લોકો તળાવ ઉપર દોડી આવ્યા. રાધા, રાધાનો બાપ, રાહુલનો બાપ, સહુ કોઈ દોડતાં આવ્યાં. બધાનાં નેણ સજળ હતાં. ‘ભાઈ, બંધ કર! રાહુલ બંધ કર! આ તારી સારંગી અમારાં હૃદયને વલોવી રહી છે. અમારાં હૈયાં બંધ પડી જાય છે! ઓહ! કેવું દર્દ! કેવી વેદના! રાહુલ! રાહુલ!’ એમ સૌ કોઈ કરગરવા મંડ્યાં, પણ ગાન શાનું અટકે? બ્રહ્માએ જ્યારથી જગત ઉત્પન્ન કર્યું ત્યારથી આજ સુધી વિરહની દેવીએ સાચવી રાખેલા નિઃશ્વાસની ધારા સારંગીના એકેએક તારમાંથી વહેવા માંડી. રાધાનો બાપ બૂમ પાડી ઊઠ્યો :
‘રાહુલ, રાહુલ, બંધ કર! વચનમાંથી હું તને મુક્ત કરું છું. આજથી રાધા તારી. ભાઈ, બંધ કર; આ નથી સહેવાતું. જો તારા બાપા હા પાડે તો કાલે જ લગ્ન કરીશું.’
‘રાહુલના બાપનાં નેણમાંથી નીર વહેતાં હતાં. તેણે રાહુલને કહ્યું : ’બેટા, બંધ કર. મારી હા છે.’
પણ રાહુલ શાનો સાંભળે! સંગીત તો આગળ વધ્યે જ જતું હતું. એવામાં કોઈકે કહ્યું :
‘રાધા, તું સમજાવ. તારા વિના આજે હવે એને કોઈ નહિ અટકાવી શકે.’
પણ આ બધાંની હાજરીમાં શરમથી રાધા ડગલું પણ કેમ ભરી શકે? લોકો એ સમજ્યા. ભારે હૃદયે બધાં ત્યાંથી ઘરે તરફ વળ્યાં. પણ તે સંગીત! તેના સૂર તો વધુ ને વધુ વેદનાભર્યા બનતાં જતા હતા. તળાવની પાળ ઉપર માત્ર બે જ જણ એકબીજાને અડીને, એકબીજાના પ્રાણના ઊંડાણમાં ડોકિયાં કરતાં બેઠાં - રાધા અને રાહુલ! સંગીત આખી રાત ચાલુ રહ્યું. તે રાતે કોઈ ઊંઘ્યું નહિ. રાધાના બાપે વચન આપ્યું હતું એટલે બીજા દિવસે તો કોઈ રીતે રાધા-રાહુલનો વાગ્દાનવિધિ કરાવવાનો ઘણાએ વિચાર કર્યો હતો. મળસ્કે લગભગ ચારેક વાગ્યે સંગીત બંધ થયું; પણ તે બંધ થતાં વાતાવરણમાં એક કારમી શાંતિ ફેલાઈ - સમુદ્રમાં ઊછળેલું કોઈ ભયંકર તોફાન અનેક વહાણોને ડુબાડી શમી જતાં જેવી ગાઢ શાંતિ ફેલાય તેવી! સવારે રાધા અને રાહુલના પિતા અને બીજા અનેક જણ તળાવની પાળ ઉપર દોડ્યાં. પણ રાધા અને રાહુલ ક્યાં? જ્યાં તેઓ બેઠાં હતાં ત્યાં બે નાનકડાં આસોપાલવનાં છોડ, એકબીજાને ભેટવા તલસતાં, એકબીજાના કાનમાં જાણે સુધાબિન્દુઓ રેડતાં ઊગ્યાં હતાં. તેમની આજુબાજુ થોડાંક તાજાં ફૂલ વેરાયાં હતાં. સહુને આશ્ચર્ય થયું. એક રાતમાં આસોપાલવનાં આવાં છોડ કેમ કરીને ઊગે? પણ કોઈ કંઈ સમજાવી શક્યું નહિ. અને રાધા-રાહુલ ક્યાં ગયાં તે પણ કોઈ કહી શક્યું નહિ.
આટલું કહી માધાકાકા જરા શ્વાસ લેવા થંભ્યા. એ વાતથી મારું હૃદય પણ ભારે બની ગયું હતું. તેમણે આગળ ચલાવ્યું :
‘તમે જે બે આસોપાલવ જોયાં અને જેમાંથી આવતું સંગીત સાંભળ્યું, તે જ આ બે આસોપાલવ. તે રાત સુદ નોમની હતી. અને ત્યારથી દર સુદ નોમે એ સંગીત નિયમિત રીતે વહે છે. મને સો વરસ થઈ ગયાં છે, છતાં હજી પણ મને કોઈ વખત થઈ આવે છે કે રાહુલ અને રાધા પાછાં આવશે!’
આમ કહી માધાકાકા ચૂપ થઈ ગયા. તેમની ઘરડી આંખના ખૂણામાં મેં એક અશ્રુબિંદુ જોયું. તેમને ભાવપૂર્વક નમસ્કાર કરી હું ચાલી નીકળ્યો. એ વાતને આજ અડધી સદી થઈ હશે, પણ જાણે મેં ગઈ કાલે જ સાંભળી હોય તેવી હજી પણ તે મારા મનમાં તાજી જ છે. મારાં બાળકો અનેક વખત મારી પાસે એ વાત કરાવે છે અને કોઈક વખત મને મજાકમાં હસે છે.
‘બાપા, તમને સ્વપ્ન આવ્યું હશે, -સ્વપ્ન!’
સ્રોત
- પુસ્તક : સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : ઝીણાભાઈ રત્નજી દેસાઇ ‘સ્નેહરશ્મિ’
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1988
