‘પપ્પા, પેલો કાગડો હતો ને, એણે ચકલી મારી નાખી'તી. પછી ઝાડ પર બેઠો. બતાવું? પેલું રયું જો મારી નાખી’તી, મોટી ચકલી. પેલા મકાને બેઠો'તો મારી નાખી, લોહી આયું. ચકલીને ડૂચો ભર્યો'તો. બતાવું? અહીં આવ, આવોને પપ્પા, દવાખાને લઈ જવી.. પપ્પા, ઊઠનં... પપ્પા !!’

મલય રડે છે. અશોક નાછૂટકે ઊભો થાય છે, મલય બતાવે છે તરફ જુએ છે, લીમડાની ડાળ નીચે. કંઈ દેખાતું નથી. પીંછાં પણ પડ્યાં નથી.

*

‘પપ્પા, આવવું છે.’

‘હું તો ઑફિસ જાઉં છું, બેટા !'

‘મારે ઑફિસ આવવું છે.’

‘તારે તો બાલમંદિર જવાનું દીકી !'

‘તું જા, બાલમંદિર. પપ્પા... આવવું મારે, મારા બૂટ...'

‘તારા માટે આજે ચિત્રવાળી ચોપડીઓ લેતો આવીશ.'

‘ના, જા. નથી લેવી જા.'

‘મલય! હું આવીશ પછી આપણે ફરવા જશું હોં!'

‘નથી જવું જા.’

‘મલય!’

અશોક હાથ ઉગામે છે. એના હાથની ગતિ ઊંચે ઠરી જાય છે. ઑફિસ જવાનું માંડી વાળે છે.

*

‘પપ્પા, બરફ!’

‘ના ખવાય. ખાઈએ તો શરદી થાય.’

‘કાલે ખાતો'તો ને ખવાય, પપ્પા! બરફ.'

અશોકે મલયને તેડેલો છે. આગળ ચાલે છે. મલય એના હાથ પરથી સરકીને નીચે ઊતરી જાય છે, મજબૂર થઈને અશોક ગોટાવાલાને એક ગોટો બનાવવા કહે છે.

બરફ પર રંધો ફરે છે.

સંભળાતા ખસરકા જલદી શમતા નથી.

‘કયું શરબત નાખું સાહેબ ?’

‘આને ભાવે તેવું.’

મલયનું ધ્યાન ગોટા તરફ છે. અશોક વાંસની સળીને હાથમાં પકડીને ગોટો મલયને આપે છે. એના હાથમાં કાળજીથી પકડાવે છે. મલય ગોટાવાળાને કહે છે : ‘બીજો આપો.’

બીજો ગોટો મલય નથી લેતો, પપ્પા માટે છે.

(કોઈક વાર મલય અને સ્મૃતિ સાથે અશોક અને રૂપા પણ બરફના ગોટા લેતાં.)

મલય પપ્પા સામે ધરી રહ્યો છે.

‘તમે ખાઓ પપ્પા, ખાને !’

અશોક નથી લેતો. પોતે ચૂસતો હતો તે ગોટો ધરે છે. નથી લેતો, સમજાવે છે. મલય નથી માનતો. ગોટો હોઠ સુધી પહોંચે છે. ચૂસી શકાતો નથી. હોઠને બરફનો સ્પર્શ થાય છે. ગોટો નીચે પડીને સડક પર નાનામોટા કણરૂપે વિખેરાઈ જાય છે... મલય રડે છે.

*

પૂર્વ તરફના લીમડા પર કોયલ બોલે છે. અશોક મલયને ચડ્ડી પહેરાવીને એનું બુશર્ટ લેવા જાય છે. કાનના પડદાને વીંધી નાખતો અવાજ એને મલય સુધી આવતાં અટકાવે છે. મલય બારી પાસે ગયો છે. જોઈ રહ્યો છે; સાંભળી રહ્યો છે :

‘કૂઉઉ... કૂઉઉ...’

મલય પડઘો પાડે છે :

‘ના.’

‘કૂઉઉ... કૂઉઉ.’

“ના.”

‘ફૂઉઉ...’

મલય પગ પછાડે છે.

‘ના. ના.’

“કૂઉઉ ફૂઉઉ... કૂઉઉ.” મલય બારીનું કમાડ પછાડે છે.

કોયલ ઊડી જાય છે.

અશોક મલયની પાસે આવે છે. એને બુશર્ટ પહેરાવે છે.

*

રૂપા સ્મૃતિને તેડીને ઊભી હતી. મલય એના પાલવનો છેડો ખેંચી રહ્યો હતો. નાનું ટેબલ ખેંચી લાવીને રૂપાએ મલયને એના પર ઊભો રાખ્યો હતો. સ્મૃતિનો હાથ પકડીને મલયે બકી ભરી હતી. અશોક કાગળ પરથી નજર બહાર લઈને બાળકોની ખુશી નજીક પહોંચી ગયો હતો. રૂપાની ચોળીનો ડોક નીચેનો કટ દેખાયો હતો. અશોકને વિચાર આવ્યો હતો ‘આ વેણી નીચેનો અંગભાગ માંસલ છતાં ગૌરવભર્યો અને અનુત્તેજક લાગે છે. મારી હાજરીને વીસરીને બે બાળકોની હાજરીથી કેવા સહજભાવે પોતાના અસ્તિત્વને ભરી રહી છે !’ રૂપા સ્મૃતિને ચાંદામામા બતાવી રહી હતી. મલયને પૂછતી હતી :

‘ચાંદામામા ક્યાં છે ?’

‘પેલા... જો, જોયા? બતાવું મમ્મી ? જો પેલા ર્યા !’

વાદળ છવાઈ જાય છે.

“મમ્મી, ચાંદામામા ક્યાં ગયા? એમને ઘેર ગયા ?”

‘જોજે હો આવ્યા, આવ્યા! જોયા ?’

‘એ એ...’ સ્મૃતિ ભાષા રચી રહી છે. ચાંદામામાને જોઈને સ્મૃતિ બોલવા ગઈ તેથી મલય હસે છે. પુષ્પ જેવું, રૂ જેવું, ના; સુગંધ જેવું હાસ્ય... શાન્ત થવા પહેલાં મલય બોલી ઊઠ્યો હતો.

‘જો સતિ, જો ચાંદમામા હસે છે!

મલય સ્મૃતિને ‘સતિ’ કહેતો, કારણ કે રૂપા એમ કહેતી.

‘મમ્મી, મારે ચાંદામામાને ઘેર જવું છે.'

રૂપા ઝબકી ગઈ હતી. પછી પાછળ તરફ એણે જોયું હતું. અશોક એની સામે જોઈ રહ્યો હતો તે જોઈને બીજી વાર ઝબકી ગઈ હતી. પરંતુ પછી એની પાસે બેસવાથી રાહત અનુભવી હતી.

*

‘પપ્પા, રેડિયો ચાલુ કરું ?'

“ના.”

‘નાઆ... ચાલુ કરું હું તો. જોજે, કેવું બોલે છે ?’

મલય નાના ટેબલને ખેસવતો ખેસવતો રેડિયો-કેઇસ પાસે લઈ જાય છે. અશોક ઊભો થઈને ટેબલ પાછું ખેંચી લે છે. સમજાવે છે :

‘તૂટી જાય, બેટા!'

“ના તૂટી જાય, જા.”

અશોકે ટેબલ પર પગ મૂક્યો છે. મલય રહે છે. રડતો રડતો રસોડામાં જઈને નીચે પડેલો ચમચો લઈ આવે છે. રેડિયો પર ફેંકે છે. અશોક ધ્યાન આપતો નથી. મલય છાનો રહી જાય છે. રસોડામાં જઈને ચપ્પુ લઈ આવે છે. રેડિયો પર ફેંકે છે.

‘મલય !!’ તમાચો માર્યો. રેડિયાને શું થયું તે જોયું.

મલય જોરથી રડ્યો અને અંબળાતો નીચે પડ્યો. મોડે સુધી હાથપગ પછાડતો રહ્યો. રડતાં રડતાં વચ્ચે ભૂલથી બોલી જવા લાગ્યો : ‘મમ્મી! પપ્પાએ માર્યો....’

મલય ડૂસકાં ભરતો ભરતો રસોડામાં જાય છે. ખાલી રસોડું જોઈને ડરી જાય છે. રસોડાના બારણા સાથે એનું માથું અફળાય છે. પગ ખસે છે. પડી જાય છે. અશોક એક આંચકે ઊભો થઈને મલયને તેડી લે છે. ખોળામાં બેઠેલો મલય રડતો રહે છે. ‘આવું ના કરીએ હોં, તું તો ડાહ્યો છે દીકી! આવું ના કરીએ, હાં, એવું ના કરીએ.’

મલય અશોકની છાતી પર માથું ટેકવે છે. પછી સહેજ ખસીને સોફા પર લંબાવે છે. અશોકના ખોળામાં માથું બરાબર ગોઠવતાં એને ઊંઘ આવે છે. આંસુ સુકાઈ જવા લાગ્યાં છે. અશોક પોતાની ડાબી આંખને લૂછી રહે તે પહેલાં જમણી આંખમાંથી આંસુ ટપકે છે. મલયના ગાલ પર સુકાઈ જવા આવેલાં આંસુમાં ભળી જાય છે.

*

પડોશીનો છોકરો મલયને કહે છે કે “તારી બા હવે નહીં આવે. મલય કહે છે : ‘કાલે આવશે, મારા બૂટ લાવશે, પેંડા લાવશે, બુશકોટ લાવશે, બિસ્કિટ લાવશે. તને નહીં આપું જા.' પડોશીનો છોકરો બીજી વાર કહે છે, ત્રીજી વાર કહે છે. મલય રડતો રડતો આવીને પપ્પાને ફરિયાદ કરે છે.

અશોક નીચું જોઈ રહે છે. મલય પોતાની ફરિયાદ ભૂલી જાય છે. પછી અશોકનો હાથ પકડીને પૂછે છે: ‘સતિને ક્યાં લઈ જતા'તા? પપ્પા, સતિ મરી ગઈ ? ક્યાં ગઈ? પપ્પા, એને બધા કેમ ઉપાડી જતા'તા? એને લઈ આવીએ, ચાલો પપ્પા. હું એનાં રમકડાં નહીં લઈ લઉં.'

*

સ્મૃતિ ઊભી રહેતાં શીખી હતી. એના હાથ પકડીને મલય એને ચાલવાનું કહેતો હતો. મલય પૂરાં વાક્યો બોલતો હતો. એની બોલી રૂપાને ગમતી. બારણામાં ઊભી ઊભી જોઈ રહી હતી. અશોક બહારથી આવીને ચુપકીદીથી જોઈ રહ્યો. સ્મૃતિ એક ડગલું ભરે છે. મલય એનો હાથ પકડીને ખેંચે છે. સ્મૃતિ પડી જાય છે. રૂપા દોડીને સ્મૃતિને તેડી લે છે. રૂપાએ અશોકને જોયો તે પછી પણ ક્ષણવાર બારણા બહાર ઊભી રહીને એણે પ્રવેશ કર્યો હતો. પપ્પાને વહેલા આવેલા જોઈને મલય નાચી ઊઠ્યો હતો. સ્મૃતિ રડતાં રડતાં રડવાનું ભૂલી ગઈ હતી. પ્રસન્ન ચહેરાને ઢાંકવા જરાક વધુ પડતી ઝૂકેલી લટને રૂપાએ ધીરે ધીરે ઠીક કરી હતી.

*

અશોક બપોરે પલંગમાં દીવાલને પીઠ ટેકવીને વાંચી રહ્યો છે. મલય કંટાળેલો છે. એની ઇચ્છા નીચે પથારી કરીને સૂઈ જવાની છે. અશોકનો પગ ખેંચે છે, એને અશોકના પગના અંગૂઠાનો વધેલો, એક બાજુ કપાઈ જવાથી અડધો વધેલો નખ દેખાય છે.

‘પપ્પા, શું વાગ્યું ?’

‘કંઈ નહીં.’

જો તારો નખ તૂટી ગયો. બળતા બળતી'તી પપ્પા?

‘ના.’

‘સૂઈ જવું છે મારે.’

અશોક વાંચવાનું બંધ કરે છે. પણ ઊભો થતો નથી.

મલય ખૂણામાં પડેલી શેતરંજીને ખેંચી લાવે છે. પાથરવા મથે છે. છેડો પકડીને ખેંચે છે. શેતરંજી ઊકલ્યા વિના ખેંચાતી રહે છે. મલય છેડો ઊંચકે છે. શેતરંજી ઊંચી થાય છે, પણ ઊકલતી નથી. બીજી રીતે પણ શેતરંજીને પહોળી કરી શકતો નથી તેથી રડે છે. એક આંચકે છેડો છોડી દે છે. પગ પછાડે છે. અશોક જોઈ રહે છે... મલય થોડી વાર પછી શેતરંજીનો બીજો છેડો પકડીને ખેંચે છે. શેતરંજી અડધી ઊકલી જાય છે. એના પર ઊંધો સૂઈ જાય છે. પાછો ફરી ઊભો થાય છે. આખી શેતરંજી પાથરી શકે છે. સૂવા જાય છે, ત્યાં કરચલી દેખાય છે. છેડા ખેંચીને કરચલી દૂર કરે છે. સૂઈ જાય છે. અશોક જોઈ રહ્યો છે, જોતજોતામાં મલય ઊંઘી ગયો.

*

તેડાગર સાથે બાલમંદિર જવાનું મલયને ગમતું નથી. ડોશી સમય થતાં આવે છે. ગરીબ સ્વભાવનાં છે. બહુ મનવર કરે છે. અઠવાડિયામાં એકાદ દિવસ એમની સાથે જાય તો જાય. બાકી તો અશોક સમજાવી શકે (અલબત્ત, ખોટું ખોટું) અને જાતે મૂકી આવે તો જાય. તેડાગર ડોશીએ અને શિક્ષિકાબહેને ત્રીજી વાર અશોકને કહ્યું : “મલય નાસ્તાનો ડબ્બો અહીં આવીને તુરત ખોલે છે, થોડુંક ખાય છે અને બાકીનું ફેંકી દે છે. રિસેસમાં સહુ બાળકો પોતપોતાનો ડબ્બો ખોલીને નાસ્તો કરવા બેસે છે ત્યારે ઊંધું ઘાલીને બેસી રહે છે. ખાવાનું કંઈક આપવા જઈએ છીએ તો લેતો નથી. કોઈ કોઈ વાર રહે છે. રડવા લાગે છે તો પછી છાનો રહેતો નથી. રમતાં રમતાં કોઈક વાર અધવચ્ચે મેદાનને ખૂણે જઈને બેસી જાય છે.’

ઘેર બેઠેલા કે રસ્તામાં ચાલતા અશોકને યાદ આવી જાય છે : સહુ બાળક નાસ્તો કરે છે. મલય નીચું જોઈને વીલે મોંએ બેસી રહ્યો છે. શિક્ષિકા કંઈક આપવા જાય છે. મલય લેતો નથી. આંસુ... આંસુ લૂછી શકતાં અશોકનાં ટેરવાં બળે છે. આવતી કાલે દરરોજની જેમ તેડાગર આવશે, મલયને લઈ જશે. મલયના ગયા પછી ઓળખી શકાતો ભય જાગે છે.

*

‘પપ્પા, મમ્મી ક્યાં ગઈ !'

‘... ...'

‘પપ્પા, મમ્મી ક્યાં ગઈ!’

‘હું! હા, રહી, બતાવું!'

અશોક મલયને તેડીને કબાટ પાસે લઈ જાય છે, કબાટ ઉપરના ખાનામાં આડો પડેલો, સ્ટીલની ફ્રેમમાં મઢેલો રૂપાનો ફોટો બહાર કાઢે છે. મલય “વાહ વા” બોલી ઊઠે છે અને :

‘જો સતિ, મમ્મી...’

મલયને ખ્યાલ આવી જાય છે કે સતિ તો નથી. થોડીક વાર પછી મૂકી દેવા માટે અશોક ફોટો માગે છે. મલય આપતો નથી. ફોટો સાથે લઈને સૂઈ જાય છે. ફ્રેમ પર એની નાજુક આંગળીઓની ખોલી શકાય એવી પકડ છે. ઊંઘી જાય છે. પડખું બદલે છે. એના પડખા નીચે અડધી ફ્રેમ દબાય છે. ફ્રેમ ખેંચી લેવી કે કેમ ? મલય જાગી જશે ભયે નિષ્ક્રિય બેસી રહે છે.

ધીરુભાઈ આવે છે. અશોક ઊભો થઈને પ્રણામ કરે છે.

‘કેમ ભાઈ! ઑફિસે આવવાનું બંધ કરી દીધું?’

‘મલય ત્રણ દિવસથી બાલમંદિર નથી જતો.. પછી તો મારાં મધર પણ ઘેર ચાલ્યાં ગયાં. એમને ફાવતું હતું. વારંવાર રડી પડતાં હતાં. મેં બાપુને લખ્યું કે તેડી જાઓ. હવે મલયને બાલમંદિરમાં ફાવવા લાગે તો હું આવવું શરૂ કરી શકું.’

‘એન્ગેજ રહેવાય તો આવી મનોદશામાં રાહત રહે.’

‘રાહતનું તો ઠીક છે ધીરુભાઈ, પણ કશુંય કરવાથી પણ નિષ્ક્રિય ક્યાં રહેવાય છે?’

‘મનને જુદી દિશામાં વાળી લેવાનો સવાલ છે.’

‘જાણું છું... પણ ફક્ત જાણવાથી શું વળે?’

ધીરુભાઈ ઠીક ઠીક બેસે છે. અહીંતહીંની વાતો કરીને મોડામાં મોડા બે દિવસ પછી આવવા આગ્રહ કરતા જાય છે. એમને વળાવવા અશોક ચાર રસ્તા સુધી જાય છે. પાછો આવીને જુએ છે તો પથારી ખાલી છે. મલય નથી. બાજુના રૂમમાં જાય છે. લૉબી જુએ છે; નથી. રસોડામાં જુએ છે. ખૂણામાં લપાઈને પગ અને છાતી વચ્ચે મમ્મીના ફોટાની ફ્રેમ દબાવીને મલયે આંખો દાબી દીધી છે. અશોકને ખ્યાલ આવી ગયો - મલય બિલાડીથી બહુ ડરે છે. અહીં ક્યાંય આવી તો નથી? હા, બારીમાં બેઠી છે.

સ્રોત

  • પુસ્તક : રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2023