આવ્યાં છો તો—

Aavya Chho To—

જયન્ત પાઠક જયન્ત પાઠક
આવ્યાં છો તો—
જયન્ત પાઠક

આવ્યાં છો તો અહીં રહી જાઓ હવે, રાહ જોઈ

થાકેલાં નયન મીંચવા દો તમારા ઉછંગે;

કહેવાની છે કથની હજી તો દુઃખની; રોઈ રોઈ

ગાળ્યા લાંબા વિરહદિન આશ્વાસનોના ઉમંગે.

લંબાવીને ભુવન ભરતું ગાઢ ઘોરે તમિસ્ર

જેમાં તારાગણ નહીં, નહીં ચાંદની ચંદ્રમાની;

એકાન્તોના હતું અધરપે મૌન જામ્યું અમિશ્ર,

હેરાયે ના કિરણરવની ઝાંખીયે જ્યાં નિશાની.

આવ્યાં છો તો અહીં રહી જાઓ હવે પાસ મારી,

વાંછું મારે ભવન દ્યુતિછાયા તમારી છવાય;

જામે રાત્રિ દિવસ રસના ઉત્સવો ચિત્તહારી,

સૌની જીભે વિરલ ઊજળું ભાગ્ય મારું ગવાય.

સ્થાને સ્થાને તમ સહ રહો નામ ઉલ્લેખ મારો;

કે વિશ્વે ના અસફલ બને યોગ મારો તમારો.

સ્રોત

  • પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978