અફર એક ઉષા

afar ek ushaa

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
અફર એક ઉષા
ઉમાશંકર જોશી

ઊગી ઊગી અફર એક ઉષા નમેરી.

છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની

ને પાથર્યા કબર પે કદી હોય એવા

ફિક્કા હતા મરણમ્લાન ઉડુગણો સૌ.

વેરાયું ચિત્તક્ષિતિજે થકી ધુમ્મસે ને

રંગે ભરી જવનિકા સરી પાંપણેથી.

ત્યાં ટેકરી ફરતું દૃશ્ય શું ઠેર ઠેર?

રે ક્યાં ગઈ પ્રથમની જનતા વિરાટ?

આત્મા તણાં અરધભગ્ન ઊભેલ અર્ધાં

ખંડેરની જગપટે પથરાઈ લીલા.

ને છાંડીને જયમનોરથ, કો ઘવાયા

પંખી સમું ઉર લપાઈ કહીંક બેઠું

ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા,

ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ