અનંત ક્ષણ

anant kshan

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
અનંત ક્ષણ
ઉમાશંકર જોશી

ગઈ ક્યમ ગણું ક્ષણો? દિવસ, માસ, વર્ષો વહ્યાં

ગણું કઈ રીત? સૌ ફરી ફરી પડે જીવવાં.

નવાં નયનને જૂના મહીંથી મૂલ્ય લાધે નવાં.

અનેકવિધ જે થયા અનુભવો બધા પૂર્વના

લહ્યા નવલદર્શને નવલરૂપમાં, ને વળી

હજીય નવતત્ત્વ કાંઈ મળતાં નવે રૂપ સૌ

ફરી અનુભવો ઉરે ઊતરશે, આરો કહીં.

અને ફરી ફરી રહી જીવવી પળો એમ સૌ.

પળો સકળ આજની ગત પળોથી પોષાય, ને

જિવાય ગત પળો સકળ આજનીમાં, અને

ભવિષ્ય તણી સૌ ક્ષણો ઊતરી આજ આશારૂપે

સમૃદ્ધ ક્ષણ વર્તમાન કરતી, થતી ને સ્વયં.

ક્ષણેક્ષણ અનંત છે. નવનવે રૂપે વિસ્તરી

પ્રતિક્ષણ વિશે સ્ફુરે અનુભવો ત્રિકાલે ભર્યા.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 245)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ