અરે હૈયું નાનું...

are haiyun naanun...

રમણ વકીલ રમણ વકીલ
અરે હૈયું નાનું...
રમણ વકીલ

(શિખરિણી)

અરે! હૈયું નાનું જલધિથકીયે ઘોર ગરજે,

ઝણત્કારે ગાજે, શતઘન શકે આભ ગગડે.

અને સ્પર્શે, શબ્દે ધબકી ધબકી કંપી ઊઠતું

ધરિત્રીનું હૈયું પણ નવ હશે આમ ધ્રૂજતું!

પ્રદેશો દૂરેના પલવિપલમાં સાધ્ય મનને;

જાણ્યું ના જોયું, નિકટ મનને તે પણ સદા.

તરંગો, સ્વપ્નાંઓ સ્થલસમયનાં બંધનથકી

મનુષ્યોને પાંખો દઈ લઈ જતાં વિશ્વતટથી.

છતાં મૂકી માઝા અદય થઈ - ઈર્ષ્યા ભય ધરી -

પ્રભુએ, સ્રષ્ટાથી કદી પર થશે સર્જન લહી.

ઊભી દૃષ્ટિ સામે જડ જગતની વાસ્તવ સ્થિતિ

નિહાળી યત્નો સૌ અફલિત થતા કારણ વિના;

તરંગે નાચીને મન મનુજનું હા! ઢળી જતું,

બિચારું હૈયુંયે શ્રમિત ધબકીને થઈ જતું.

સ્રોત

  • પુસ્તક : સાહિત્યરત્ન ભાગ ૨ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ, નરહરિલાલ ત્ર્યંબકલાલ
  • પ્રકાશક : મેસર્સ કરસનદાસ નારણદાસ એન્ડ સન્સ
  • વર્ષ : 1954
  • આવૃત્તિ : ઓગણત્રીસમી આવૃત્તિ