કાશ્મીરનું સ્વપ્ન

kashmir nu svapna

કલાપી કલાપી
કાશ્મીરનું સ્વપ્ન
કલાપી

ક્યાંઈ છે ખૂબ ધીટ ઝાડ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં,

વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં;

ક્યાંઈ છે તૂટીને પડેલ ભૂખરાં પાનો વિના ઝાડવાં,

જોગીનો ધરી વેષ ભેખ લઈ ને જાણે બિચારાં પડ્યાં.

ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે;

નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે;

ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ઘણી ડાળીને,

તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

છે ક્યાંઈ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની,

કાળી તે દીસતી છવાઈ જઈને અંધારી છે તે ઘણી;

વ્હે છે જોસભરી નદી અહીં તહીં, નાળાં પડ્યાં વીખરી,

કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઊડે પાણીની.

જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા,

એવો કાશ્મીરદેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં?

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004