તને અધિક શેં ન ચાહું

tane adhik shen na chahun

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
તને અધિક શેં ન ચાહું
હરિશ્ચંદ્ર ભટ્ટ

તને અધિક શેં ન ચાહું, અવ દૂર છોને રહ્યાં.

અરાગ તુજથી થયો, તુજથી ઝેર આંખો તણાં

ગયાં, નયન વિશ્વનું, નિગૂઢ તુંથી શોધી શક્યાં.

પીધો કરુણ જીવને, જીવન-મૃત્યુનાં દ્વંદ્વનાં

રસાયન પીધાં, હવે નહિ મને કશા ઑરતા.

વ્યથા પ્રણયની સહી, પ્રણયમાં ધૃતિયે લીધી

અને ઉભયના ઉરે પ્રણય મૂક માણી લીધો.

જવાબ નહિ માગવો, નયનમાં જ વાંચી લીધો.

જૂઠી નયનની લિપિ કદીય કોઈ ક્હેશો નહિ —

અશબ્દ શિશુ માતૃસ્નેહ નયને જ વાંચી લિયે,

તથા ચ પ્રણયી અને સ્વજન સ્નેહીઓયે સુણે

કથા હૃદયની બધી નયન વૈખરીમાં શુભે!

સુદૂર રહી પીયૂષો પ્રણયનાં તું વર્ષાવજે

અને જીવનમાં સદાય શુચિ ભાવથી પ્રેરજે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : હરિશ્ચંદ્ર ભટ્ટ (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 1999