આવું વ્હાલે વતન બસમાં. દૂરથી હું નિહાળું

ધોળી ધોળી ફરકતી ધજા રામજીકેરી. એના

લીલા લીલા વર સમ લસે ખેતરો રમ્ય, જેનાં

ડૂંડે ડૂંડે ઝગમગ થતાં મૌક્તિકોને નિહાળુ!

ટ્હૌકે ટ્હૌકે સુરભિત અહો! આમ્રની રમ્ય કુંજ!

હૈયે ધોબીવડ-છવિ ઝીલી ઝૂલનારું તળાવ,

જેના કાંઠે ઉર મહીં ઊઠ્યા ઊર્મિઓના ઉછાળ;

હિલ્લોળાયું હૃદય, પ્રગટ્યા ઉરમાં સ્વપ્ન - પુંજ!

હૈયે ઝીલે ઘર ઘર તણા ચન્દ્રનાં રમ્ય રૂપ

હિલ્લોળન્તાં, પણ છલકી જાય, ના ખાલી થાય

ઉલેચાયે તદપિ. રૂપમાં મગ્ન કેેવો જણાય

કૂવો! પીતો રૂપ રસળતાં નિત્ય રે! ચૂપ ચૂપ!

ઊભી મારી બસ, તરત કાં હું થઈ યક્ષ જાતો?

ખોવાયેલી નગરી અલકાનો મને યોગ થાતો

સ્રોત

  • પુસ્તક : ભમ્મરિયું મધ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સર્જક : જિતેન્દ્ર કા. વ્યાસ
  • વર્ષ : 1982